Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

શ્રાવણે શિવદર્શનમ્

દામનગરમાં કુંભનાથ મહાદેવનો મહિમા

દામનગર શહેરથી ર કિ.મી.દૂર કુંભનાથ મહાદેવનું પ્રસિધ્ધ મંદિર આવેલું છે. વર્ષો પહેલા અહિંયા જંગલ વિસ્તાર આવેલ હતો. એ વખતે ઋષિ અગત્સ્ય ફરતા-ફરતા આ સ્થળે આવેલા અને શિવલીંગની સ્થાપના કરી હતી. ત્યારબાદ મેવાડના કુંભારાણા દ્વારકાની યાત્રાએ જતા આ જગ્યા ઉપર રાત્રી રોકાણ કર્યું હતું. અને શિવ મંદિર બંધાવી આપ્યું હતું. તેથી જ કુંભનાથ મહાદેવ નામ પડેલ છે. અને દામનગર શહેરથી ૩ કિ.મી. પાડરશીંગા ગામ આવેલું છે. તે ગામના કઠા જ્ઞાતિના ભકત શુરા આપા અહિંયા દામનગર જતા રાત્રી રોકાણ કરતા અને પરમ શિવ ઉપાસક હતા. દેવાધીદેવ મહાદેવ તેમની ભયંકર પરીક્ષા લીધેલ અને સાક્ષાત ભગવાન કુંભનાથ મહાદેવે દર્શન આપેલા અને આશિર્વાદરૂપે મુઠી અનાજ અને એક વસ્ત્ર અને ધાતુનો સિક્કો અને બેરખો આપેલ. આ તમામ વસ્તુઓ એમના પરિવારના સભ્યો પાસે હાલ મોજુદ છે. અને વાર-તહેવારે જનતાના દર્શન માટે અહિંયા કુંભનાથ મહાદેવ મંદિરે મુકવામાં આવે છે.

ભકત શુરા આપાની જગ્યા પાડરસીંગા ગામમાં ભગતની જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે આ સ્થળ એટલે કે કુંભનાથ મહાદેવ મંદિરનો ખુબજ વિકાસ થયો છે. બાજુમાં ધારેશ્વરી માતાજીનું ભવ્ય મંદિર પણ આવેલું છે. ભકતરાજ શુરા આપાની પ્રતિષ્ઠા કરેલ ખાંભી તેમજ ભૈરવનાથનું મંદિર પણ કુંભનાથ મહાદેવ મંદિરના ચોગાનમાં જ આવેલું છે. શ્રાવણ માસના દરેક સોમવારે તેમજ શિવરાત્રીના દિવસે ભવ્ય મેળો ભરાય છે. તથા શ્રાવણ માસના સોમવારે કુંભનાથ મહાદેવની ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યંુ છે. આ સ્થળની પુજા કૈલાસવાસી સેજુપરી બાપુનો પરિવાર તેમજ છોટુપરી સેજુપરી ગોસાઇ પરિવાર હજુ કરે છે.

સંકલનઃ-

વિમલ ઠાકર

દામનગર

(10:24 am IST)