Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કેશોદના અજાબ ગામે અનોખી પહેલ :દિકરીના લગ્ન પ્રસંગમાં મહેમાનોને અપાઈ વૃક્ષોની ભેટ

કરીયાવરમાં પણ વૃક્ષ આપી વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો:નવદંપતી હસ્તે વૃક્ષારોપણ કરાયું

કેશોદ તાલુકાના અજાબ ગામમાં પર્યાવરણની અનોખી પહેલ કરાઈ હતી દેલવાડીયા પરિવારનાં કુસુમબેન દેલવાડીયાનાં આંગણે લગ્ન પ્રસંગ યોજાયો હતો સ્વ. છગનભાઈ હીરાભાઈ દેલવાડીયાની દિકરી અંકીતાના શુભ લગ્ન માણાવદરના હંસાબેન તથા વિઠ્ઠલભાઈ મનજીભાઈ ભડાણીયાના સુપુત્ર પ્રતીક સાથે નિર્ધાર્યા હતા.માણાવદરથી ભડાણીયા પરિવાર જાન લઇને આવી પહોંચતા માંડવીયા કુસુમબેન અને પરિવારજનોએ વૃક્ષો પ્રત્યે જાગૃતિ લાવવા અંકીતાના લગ્ન પ્રસંગે  જાનમાં આવેલા જાનૈયાઓને એક એક વૃક્ષની ભેટ આપી હતી

   દેલવાડીયા પરિવાર દ્વારા નવ દંપતિને વૃક્ષની ભેટ આપી કરીયાવરમાં પણ વૃક્ષ આપી વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો અને નવદંપતિના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું અજાબની નેચર નીડ યુથ કલબ દ્વારા વિના મુલ્યે વૃક્ષોનુ વિતરણ કરવામાં આવે છે, જેમની કામગીરીમાં સહભાગી બનવા અંકીતાના લગ્ન પ્રસંગે તેમના ભાઈઓ રીપલભાઈ તથા શનિકુમારે જણાવ્યું હતું કે, કન્યાદાનમાં સોના ચાંદીના દાન લોકો આપે છે અને કરીયાવરમાં ઘર ઉપયોગી વસ્તુઓ લોકો આપતા હોય છે પણ અમોએ હરીયાળી ક્રાંતિ માટે નવ દંપતીને તથા જાનૈયાઓને વૃક્ષની ભેટ આપી. નવદંપતીના વરદ હસ્તે ઘર આંગણે વૃક્ષોનુ વાવેતર પણ કર્યું જે બેનના લગ્નની કાયમી યાદી રહેશે અને વધુમાં વધુ વૃક્ષોનુ વાવેતર થાય તેવા સંદેશ સાથે દેલવાડીયા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગે વૃક્ષો આપી વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષોના સંકલ્પ સાથે અનોખી પહેલ કરી છે જેને જાનૈયાઓએ પણ બિરદાવી વૃક્ષોનુ વાવેતર કરવાનો સંકલ્પ કર્યો હતો.

(10:52 pm IST)