Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા

વિરપુર જલારામમાં ગુરૂપૂર્ણિમા નિમિતે ગુરૂવંદના સાથે માતૃપિતૃ વંદના કરાઈ

વિરપુર, તા. ૧૭ :. અષાઢ શુકલ પૂર્ણિમાનો દિવસ એટલે ગુરૂ મહિનાનો દિવસ, ગુરૂપૂર્ણિમાનો દિવસ સમગ્ર ભારતભરમાં ઉજવાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગુરૂપૂર્ણિમાનું અનેરૂ મહત્વ હોય છે અનેક ગુરૂકુળોમાં, આશ્રમોમાં, મંદિરોમાં, શાળાઓમાં ગુરૂપૂર્ણિમા ભાવભેર ઉજવાય છે. દરેક વ્યકિતના જીવનમાં ગુરૂનું અનેરૂ મહત્વ હોવાથી દરેક વ્યકિત પોતપોતાના ગુરૂના દર્શન અને પૂજન અર્થે તેમના આશ્રમ, ઘર કે સંસ્થાઓમાં જાય છે.

વિરપુર સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના સાથે સાથે વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને વંદના કરી માતાપિતાની પૂજા-અર્ચના કરી હતી.

વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે દરેક માનવીના જીવનમાં માતાપિતાએ આપણા સૌ પ્રથમ ગુરૂ છે જે દરેક માણસને બાળપણથી જ જીવનમાં બધુ શીખવે છે એટલે માતાપિતાનું મહત્વ ગુરૂ સમાન જ હોય છે. વિરપુર સ્વામિનારાયણ ગુરૂકુળમાં ગુરૂની સાથે માતાપિતાની પણ પૂજા કરી એક અલગ રીતે ગુરૂપૂર્ણિમાનો અવસર ઉજવ્યો હતો તો વિદ્યાર્થીઓ દ્વારા પોતાના માતા-પિતાને પર્યાવરણ બચાવવા માટે વધુ વૃક્ષ વાવોના સંકલ્પ સાથે એક એક વૃક્ષના રોપાઓ આપી અનોખી રીતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

(2:01 pm IST)