Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ચોટીલા તાલુકામાં પાણીચોરીના કારણે જળ કટોકટી સર્જાય છે

ચોબારીથી ખેરાણા જતી નર્મદાના પીવાની લાઈનમાંથી પાણી ચોરી ઝડપાતા ચકચાર

ખેરાણા જતી લાઇનમાં પંકચર કરી પાણી ચોરી કરી કૂવો ભરાતો હતો જે તસ્વીરમાં દર્શાય છે

ચોટીલા, તા.૧૭: ચોટીલાનાં ચોબારી સંમ્પ થી ખેરાણા જતી પીવાના પાણીની નર્મદાની લાઈન માં ૬ ફુટ ખાડો કરીને ખેડૂત દ્વારા પાઈપ જોઈન્ટ કરી થતી પાણી ચોરી ઝડપાતા ચકચાર મચેલ છે.

ઝાલાવાડમાં પથરાયેલી નર્મદાની પિવાના પાણીની લાઈનમાં સૌથી મોટું પાણી ચોરી કૌભાંડ ચોટીલા તાલુકામાં ચાલે છે કેટલાક લોકો દ્વારા આ પાણીની ચોરી કરીને ટેન્કર મારફત વેચવાનો પણ કારોબાર ચાલે છે પરંતુ રાજકિય દબાણ નિચે આવી બાબતો દબાઇ જતી હોવાનું કહેવાય છે.

અનેક વખત અધિકારી ને જાણ કરવાં છતાં કાયદાકિય પગલાં લેવામાં આવતા નથીં જેથી પાણી ચોરી કરનારાઓ બિન્દાસ રહેતા હોવાની બુમ ઉઠેલ છે.

ખેરાણા ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે મામલતદાર માં રજૂઆત કરી છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે મંગળવારના ચોબારીના મુખ્ય સંમ્પ થી ખેરાણા જતી પાઇપલાઇનમાં ધરમપુર નજીક વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લાઇનમાં ભંગાણ કરી વેલજીભાઈ ગોવાભાઇ તેઓની વાડીમાં પાણી ચોરી કરતા સ્થાનિક લાઇન મેનની સતર્કતા ને કારણે ઝડપી પાડતા ચકચાર મચેલ છે.

ખેરાણાના સ્થાનિકોનું કહેવુ છે કે અમારા જેવા અનેક ગામો છે જયાં પાણી આવતું નથી રજૂઆત પણ કરેલી છે છતાં જવાબદાર અધિકારીઓ ડોકાતા નથી અને સમગ્ર પંથકમાં ચાલતા પાણી ચોરી કૌભાંડ પાછળ આંખ આડા કાન કરી રહ્યા છે, જવાબદાર અધિકારીઓને ગ્રામજનો દ્વારા પાણી ચોરી કરતા તત્વો ઉપર કાયદેસર પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરતા, અધિકારી દોષનો ટોપલો એકબીજા માથે ઢોળી રહ્યા છે

(1:27 pm IST)