Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સાવરકુંડલા ખાદી કાર્યાલયમાં ગુરૂપૂર્ણિમા-ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત સંમેલન યોજાયું

સાવરકુંડલા, તા. ૧૭ : તાલુકા ગ્રામ સેવા મંડળ-ખાદી કાર્યાલય આયોજિત ગુરૂપૂર્ણિમા નિમિત્તે ખાદી કાર્યાલયમાં પુનમની મીટીંગ તથા મહાત્યા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ગાંધીજનોનું સંમેલન યોજાયું હતું.

લોક સેવક સ્વ. લલ્લુભાઇ શેઠ, અમુલખભાઇ ખીમાણી અને કેશુભાઇ ભાવસારે પ્રસ્થાપિત કરેલ પુનમ મિટીંગ ગુરૂગાદી હોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી અને શહેરમાંથી પ્રતિષ્ઠિત વેપારી આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો અને ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ અંતર્ગત તાલુકા અને શહેરમાંથી ગાંધીજન તરીકે નોંધાવેલ આગેવાનોએ ગુરૂવંદના કરી હતી.

ગુરૂવંદના ધુનથી કરવામાં આવી અને સંસ્થાના પ્રમુખ મનુભાઇ મહેતા, આંતરરાષ્ટ્રીય ભાગવતાચાર્ય ડો. જયંતિભાઇ તેરૈયા, ધીરૂભાઇ રૂપારેલા, જસુબેન દાણી, મનુભાઇ ખીમાણી વગેરેએ દિપ પ્રાગટય કર્યું હતું.

સંસ્થાના પ્રમુખ મનુભાઇ મહેતાએ મીટીંગમાં ઉપસ્થિત સર્વે સભાસદોને જણાવ્યું કે, વર્તમાન યુગમાં ગાંધી વિચાર અને સ્વસ્થ જીવન માટે ગાંધી મૂલ્યોને સ્વીકારવા જરૂરી છે. ખેતીમાં રસાયણીક ખાતર ન વાપરતા દેશી છાણીયું ખાતર વાપરવા અંગે વાત કરી. સંસ્થાના ટ્રસ્ટીશ્રી મનુભાઇ ખીમાણીએ ગાંધીજીના જીવન મૂલ્યોનું આદર્શ વકતવ્ય આપતા જણાવ્યું કે, ગાંધીજીએ તેમના જીવનમાં ભુલો કરેલી તે સ્વીકારીને સત્યનો માર્ગે ચાલ્યા અને 'મારૂ જીવન એ જ મારો સંદેશ' દ્વારા સમાજને સત્યના માર્ગે ચાલતા કર્યા તે અંગેની વાતો કરી. શ્રી લાભુભાઇ મહેતાએ સામાજીક રીત-રીવાજો અંગે વાત કરતા જણાવ્યું કે, સમાજને વ્યસનમુકત કરવા, સમાજના ખોટા કુરીવાજો છે તે બંધ કરવા, સામાજીક ખોટા ખર્ચા બંધ કરી તે રકમ આરોગ્ય અને શિક્ષણના કાર્યમાં વાપરવા જણાવ્યું, ખાદી પહેરવા જણાવ્યું.

સંચાલન સંસ્થાના કાર્યકર્તા નંદલાલભાઇ સાદીયાએ અને આભાર દર્શન સંસ્થાના મંત્રી હરેશભાઇ સી. ત્રિવેદીએ કર્યું હતું.

(1:24 pm IST)