Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

એક લાખે ૧૦ હજાર વધુની લાલચ આપી રૂ. ૧.૯૬ લાખ પડાવી લીધા

વિસાવદરના યુવાન સાથે જૂનાગઢમાં છેતરપીંડી

જૂનાગઢ, તા. ૧૭ :. વિસાવદરના જીવાપરા વિસ્તારમાં રહેતા હાર્દિક લલીતભાઈ સુવાગીયા (ઉ.વ. ૨૩) નામના યુવાનને તા. ૪-૭ના રોજ બપોરના હરેશ ગોંડલીયા અને જયેશ વેકરીયા તેમજ બે અજાણ્યા શખ્સોએ જૂનાગઢમાં વડાલ પાસે બોલાવેલ.

બાદમાં આ શખ્સોએ પોતાની ઓળખ સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી હોવાની વિશ્વાસમાં લઈ બાધા રૂપિયા એક લાખના બદલામાં ૧૦ હજાર વધુ આપવાની લાલચ હાર્દિક સુવાગીયાને આપી હતી.

આમ વિશ્વાસ અપાવી હાર્દિકને વડાલ નજીક પૈસા આપવા અને લેવા માટે બોલાવતા હાર્દિક પહોંચ્યો હતો.

જ્યાં આ શખ્સોએ રૂ. ૧.૯૬ લાખની રોકડ લઈ તેના બદલામા છૂટા પૈસા ભરેલ બેગ આપીને ચારેય શખ્સો જતા રહ્યા હતા.

આ પછી હાર્દિક સુવાગીયાએ બેગ ખોલીને જોતા જેમાં દસ-વીસ રૂપિયાના ચારેક બંડલ અને તેની નીચે નોટબુકો જોવા મળતા યુવાનના હોશકોશ ઉડી ગયા હતા.

આ પ્રમાણે પોતે છેતરાયો હોવાનું જણાતા યુવાને જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી હતી.

(1:20 pm IST)