Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના ગામ રતનાલમાં છાત્રોએ કર્યું આંદોલન એસટી બસોના ચક્કા જામ કરતાં સેંકડો પ્રવાસીઓ હેરાન પરેશાન

ભુજ : રાજયમંત્રી વાસણભાઇ આહીરના ગામ રતનાલમાં આજે સવારે છાત્રો દ્વારા કરાયેલા આંદોલને એસટી બસોના પ્રવાસીઓને તેમ જ વાહનચાલકોને ચિંતામાં મૂકી દીધા હતા. જોકે, છાત્રોનું આ આંદોલન શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને અહિંસક હતું. થયું એવું કે, આજે સવારથી જ છાત્રોએ રતનાલ ગામમાં થી પસાર થતી ભુજ અને અંજાર-ગાંધીધામ એ બન્ને તરફની એસટી બસોને રોકી દીધી હતી. આ છાત્રોનો વિરોધ ભલે અહિંસક અને સંયમપૂર્ણ હતો પણ, એકાએક એસટી બસોના ચક્કા જામ કરી દેવાતા એક તબક્કે તો ૨૫ થીયે વધુ બસો રતનાલમાં ઉભી રહી ગઈ હતી. પરિણામે બસમાં બેઠેલા અને ભુજ તરફ તરફ આવતા અને ભુજ થી જતાં બન્ને તરફના પ્રવાસીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. વળી, છાત્રોનો આ ચક્કા જામના આંદોલનનો વિરોધ માત્ર એસટી બસો પૂરતો જ મર્યાદિત હતો. પણ, તેના કારણે વતે ઓછે અંશે અન્ય વાહનચાલકો પણ પરેશાન થયા હતા. તો, દરરોજ અપડાઉન કરતા નોકરિયાતો તેમ જ બહારગામથી ભુજ તરફ આવતા પ્રવાસીઓ પણ પરેશાન થયા હતા.

ભણવા માટે થતી હેરાનગતિએ છાત્રોને કર્યા મજબુર...

રાજયમંત્રી વાસણભાઇ આહીરના ગામ રતનાલમાં છાત્રોએ એસટી બસોના કરેલા ચક્કા જામનું કારણ દરરોજ ભણવા માટે ભુજ અથવા અંજાર ગાંધીધામ તરફ જવા માટેની મુશ્કેલી !! સ્કૂલ કોલેજ જવા માટેના સવારના સમયે મોટાભાગની એક્સપ્રેસ એસટી બસો હોઈ તેમનુ અહીં રતનાલ ગામે સ્ટોપેજ ન હોઈ ભણવા માટે જતાં ગામના ૬૦ થી વધુ છાત્રોને માટે દરરોજ ભણવા જવા મુશ્કેલી સર્જાતી હતી. એટલે ચક્કાજામ સાથે છાત્રોએ રતનાલ ગામમાં થી પસાર થતી દરેક એસટી બસોને સ્ટોપેજ આપવાની માંગ કરી હતી. જોકે, ચક્કાજામ આંદોલન એસટી દ્વારા મળેલ વિચારણાની ખાત્રી અને સમજાવટને અંતે એક કલાકમાં જ આ આંદોલન સમેટાઈ ગયું હતું. આ અંગે કચ્છના એસટી વિભગિય નિયામક શ્રી જાડેજાનો સંપર્ક કરતા તેમનો ફોન બંધ હતો.

(11:54 am IST)