Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ઉત્તરાખંડની પરમીશન હોવા છતાં કચ્છમાં આવેલા ૩ પાકિસ્તાની નાગરીકોની અટકાયત-પૂછપરછ

ભુજ, તા.૧૭:  ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધો બન્ને દેશના નાગરિકોને અવરજવર માટે મુશ્કેલી સર્જી છે. ત્યારે ભુજના માધાપર ખાતે બનેલા એક કિસ્સાએ કચ્છ પોલીસની માનવીય સંવેદના દર્શાવી છે. માધાપરના કોટક નગરમાં રહેતા દેવાભાઈ ફોટાભાઈને ત્યાં ત્રણ પાકિસ્તાની નાગરિકો આવ્યા હતા. આ અંગે પશ્યિમ કચ્છ એસઓજી પોલીસને મળેલી જાણકારીને પગલે પોલીસે પાસપોર્ટ વિઝા ચેક કર્યા હતા.  પાસપોર્ટ તો આ ત્રણેયને પાકિસ્તાની નાગરિક હોવાનું દર્શાવતો હતો. એટલે પાસપોર્ટ તો બરાબર હતો પણ ગરબડ વિઝા માં હતી. વિઝા માં ગરબડ જોઈને એસઓજી પોલીસે પાકિસ્તાન સિંધના બદીન શહેર મધ્યે રહેતા આ ત્રણ પાકિસ્તાની નાગરિકો ૫૦ વર્ષીય આલુભાઈ રાણાભાઈ મારવાડા તેમની નાની પુત્રી તેમ જ વયસ્ક માતા ૬૫ વર્ષીય મોરાનબેન રાણાભાઈ મારવાડાની પૂછપરછ હાથ ધરી હતી. આ ત્રણેય પાકિસ્તાની હિન્દુ નાગરિકોના કૌટુંબિક સંબંધી એવા ભાણેજ દેવાભાઈના ઘેર માધાપર કોટક નગર આવ્યા હતા. આ ત્રણેય પાકિસ્તાની નાગરિકો પાસે ભારતમાં ફરવા પૂરતા ઇસ્યુ કરાયેલા વિઝા માત્ર હરિદ્વાર પૂરતા જ હતા. જોકે, પોલીસે દેશની સુરક્ષાના મુદ્દે માધાપરના કે કચ્છના અન્ય કોઈ પણ સ્થળના વિઝા ન હોવા છતાંયે કચ્છ આવેલા આ ત્રણેય પાકિસ્તાની નાગરિકોની શક ના દાયરા હેઠળ આકરી પૂછપરછ કરી હતી. સતત પૂછપરછ બાદ પોલીસને એ ધ્યાને આવ્યું હતું કે, આ ત્રણેય પાકિસ્તાની નાગરિકોનો ઈરાદો ખરાબ નથી. તેઓ પાસે કચ્છની વિઝા નથી, પણ વગર વિઝાએ તેઓ ભુજ પોતાના સંબંધીઓને મળવા આવ્યા હતા.

બસ, અહીં પશ્યિમ કચ્છ પોલીસે માનવીય સંવેદના દર્શાવી ત્રણેય પાકિસ્તાની નાગરિકોને રાજસ્થાનના મુનાબાવ ગામે મુકવાની વ્યવસ્થા કરી હતી. રાજસ્થાન ના મુનાબાવથી પાકિસ્તાનને જોડતી રેલવે સેવા ચાલુ છે. આમ, પશ્યિમ કચ્છ પોલીસે સંવેદના સાથે કામ કરી ગુજરાત પોલીસની સંવેદનાને ચરિતાર્થ કરી છે.

(11:48 am IST)