Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કેશોદના રાણીંગપરમાં સગાઇ તોડી નાખતા આરતીને પૂર્વ મંગેતર જુનાગઢના હિતેને છરીના ઘા ઝીંકયા

મોડી રાત્રે પોતે ચડાવેલા દાગીના પાછા લેવા આવ્યો ને ઝઘડો કરી હુમલો કરી ભાગી ગયોઃ બાવાજી યુવતિને ગળા અને પેટમાં ઇજાઃ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ

રાજકોટ તા. ૧૭: કેશોદના રાણીંગપરામાં રહેતી બાવાજી યુવતિ આરતી  દિનેશભાઇ કાપડી (ઉ.૧૭)ને મોડી રાત્રે બે વાગ્યે જુનાગઢથી આવેલા તેના પૂર્વ મંગેતર હિતેન તુલસીભાઇ ગોંડલીયાએ છરીથી હુમલો કરી પેટ અને ગળા પર ઇજા કરતાં કેશોદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

હુમલામાં ઘાયલ આરતી ત્રણ બહેન અને એક ભાઇમાં બીજી છે. તેના પિતા દિનેશભાઇ કરસનદાસ કાપડી પ્રાઇવેટ નોકરી કરી છે. પરિવારજનોના કહેવા મુજબ આરતીને સગાઇ બે વર્ષ પહેલા જુનાગઢ લિરબાઇપરામાં રહેતાં અને જુનાગઢ કલેકટર ઓફિસમાં પ્યુન તરીકે નોકરી કરતાં હિતેન તુલસીદાસ ગોંડલીયા સાથે થઇ હતી. પરંતુ તે સતત ઝઘડા કરતો રહેતો હોઇ જેથી થોડા દિવસો પહેલા સગાઇ તોડી નાંખવામાં આવી હતી.

ગત રાતે હિતેન બાઇક લઇને જુનાગઢથી રાણીંગપર આવ્યો હતો અને પોતાના તરફથી સગાઇ વખતે ચડાવવામાં આવેલા દાગીના પાછા માંગ્યા હતાં. તેને દાગીના પરત આપી દીધા એ પછી વાતચીત કરતી વખતે અચાનક છરી કાઢી હતી અને આરતીને પેટ-ગળા પર ઘા ઝીંકી ભાગી ગયો હતો. બનાવ રાત્રીના બે વાગ્યા આસપાસ બન્યો હતો. આરતીના માતા દિવ્યાબેન સહિતના પરિવારજનો હાજર હતાં ત્યારે હુમલો થયો હતો. હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે કેશોદ પોલીસને જાણ કરી હતી.

(11:48 am IST)