Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પોરબંદર જિલ્લો કૃષિ યાંત્રીકરણમાં અગ્રેસર : ટ્રેકટર ખરીદવા ૨૦૫ લાખની સહાય

પોરબંદર તા. ૧૭ :  સમયની સાથે ચાલતા પોરબંદર જિલ્લાનાં ખેડૂતો પરિવર્તન સ્વિકારી કૃષિ યાંત્રીકરણ અપનાવી રહ્યા છે. ગત વર્ષે ટ્રેકટર ખરીદવા જિલ્લા પંચાયત ખેતીવાડી કચેરી દ્રારા ૪૪૩  ખેડૂતોને રૂ ૨૦૫ લાખની સહાય ચૂકવવામાં આવી હતી.

    ટ્રેકટર ખરીદવા ખેડૂતોને ૪૦ એચસપી. સુધી રૂ ૪૦ હજાર અને તેનાથી વધુ એચ.પી. માટે રૂ ૬૦ હજારની પ્રત્યેક લાભાર્થીને સહાય ચૂકવવામાં આવે છે. પોરબંદર જિલ્લાનાં ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી ટ્રેકટર સહાયનો લાભ મેળવી કૃષિ યાંત્રીકરણમાં અગ્રેસર છે.

     ટ્રેકટર માટે સબસીડીનો લાભ લેનાર પોરબંદર જિલ્લાના દ્યેડના કડેગીના ખેડુત લીલાભાઇ ટીંબાએ કહયુ કે, આ યોજના ખેડુતો માટે ખુબ લાભદાયી છે. ઓનલાઇન અરજી કરવાની ડ્રો સીસ્ટમથી વારો આવે એટલે ટ્રેકટર ખરીદી બીલ રજુ કરવાથી ખેડુતના ખાતામાં સીધા નાણા જમા થાય છે. મને મીની ટ્રેકટર ખરીદવા રૂ. ૪૦ હજાર સબસીડી મળી હતી. નવા જમાનામાં થોડુ બદલવુ પણ જરૂરી છે. મીની ટ્રેકટર ખેતીકાર્યો સાથે માલસામાન હેરફેરમાં પણ ઉપયોગી થાય છે. 

કૃષિ યાંત્રીકરણ અપનાવવાથી ખેતી કાર્ય ઝડપથી થવા સાથે ખેડુતોનો સમય અને શકિતનો બચાવ થાય છે, તેમ જણાવી જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એન. પરમારે જણાવ્યું કે, ખેત ઉત્પાદન પણ બજારમાં આપવાથી પોષણક્ષમ ભાવો ખેડુતોને મળે છે. ઉપરાંત ટ્રેકટર ખેતીકાર્યો સાથે વાહન તરીકે પણ ખેડુતો ઉપયોગ કરી અન્ય આવકનું સાધન પણ ટ્રેકટરને બનાવી શકે છે.

(11:38 am IST)