Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કચ્છના તુણામાં લગ્ન-સગાઇના સામાન્ય ડખ્ખામાં મામીની હત્યા કરનાર ભાણેજને જન્મટીપ

ભુજ તા.૧૭: એક વર્ષ પૂર્વે અંજાર તાલુકાના તુણા ગામે ૩૫ વર્ષીય મહિલા ગુલબાનું હુસેન ખલીફાની હત્યાના કેસમાં ગાંધીધામ કોર્ટે આરોપી ગુલામ જાફર ખલીફાને જન્મટીપની સજા ફટકારતો હુકમ કર્યો છે.

ગત તા.૧૭-૪-૧૮ના તુણા ગામના ગુલબાનુ હુસેન ખલીફાની તેમના ભાણેજ ગુલામ જાફર ખલીફાએ પોતાના અન્ય સાગરીત હનીફ અબ્દુલ ખલીફાની સાથે મળીને છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી. બે વર્ષ પૂર્વે લગ્નમાં ખુરશી ઉપર બેસવાની સામાન્ય બાબતે મામી ગુલબાનું અને ભાણેજ ગુલામ વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડો વધુ ઉગ્ર ત્યારે બન્યો કે જ્યારે મામી ગુલબાનુએ પોતાના બીજા ભાણેજ અને આરોપી ગુલામના ભાઇ સાથે પોતાની દીકરીની સગાઇની ના પાડી દીધી.

મામીએ દીકરીની સગાઇ પોતાના ભાઇ સાથે ન કરતા ખૂન્નએ ભરાયેલા ગુલામે પોતાના મામીની છરી વડે ક્રૂર હત્યા કરી નાખી હતી. આ કેસ ગાંધીધામ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ત્રીજા અધિક સેશન્સ જજ આર.જી. દેવધરાએ ૨૮ સાહેદો સાથે દસ્તાવેજી પુરાવાના આધારે આરોપી ગુલામ ખલીફાને તકસીરવાન ઠેરવી જન્મટીપની સજા અને ૫ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે વકીલ એસ.જી.રાણાએ દલીલો કરી હતી.

(11:29 am IST)