Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સદ્ગુરૂની દરેક ચેષ્ટા એક ઉપદેશ : પૂ.ભાઇશ્રી

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પરંપરાગત વિધીવિધાન સાથે ગુરૂપૂર્ણિમા ઉજવાઇ : કોકીલાબેન ધીરૂભાઇ અંબાણી સહિત મહાનુભાવો દ્વારા પૂજા અર્ચના

જુનાગઢ, તા. ૧૭ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના સભાગૃહમાં ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં પરંપરાગત વિધિ વિધાન પૂર્વક શાસ્ત્રોકત રીતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. પૂજય ભાઇશ્રીએ જણાવ્યું હતું કે, વિશ્વનું સમગ્ર જ્ઞાન જયારે ભેગું થઇને એક શ્રીવિગ્રહના રૂપમાં પ્રકટ થાય તેનું નામ સદ્ગુરૂ. તમે કેટકેટલા ગ્રંથોનો અભ્યાસ કરવા જશો. અનેક શાસ્ત્રો છે, અનેક ગ્રંથો છે, અનેક પંથ છે, અનેક દર્શન છે તમે તેમાં વિભ્રાંત થઇ શકો છો, તમે તેના દર્શનમાં ભટકી શકો છો ત્યારે જ કોઇ પરમ તત્ત્વ શ્યામવર્ણ અને પીતાંબર ધારણ કરી મોર, બંસી મુકુટ ધારણ કરી પ્રગટ થાય છે, બસ તેવી રીતે બધા જ શાસ્ત્રોના સાર સમેટાઇને અકે શ્રીવિગ્રહ રૂપમાં પ્રગટ થાય છે જે સદ્ગુરૂ છે. જેનો પ્રત્યેક શબ્દ આપણા માટે મંત્ર બની જાય છે અને તમે આંખ બંધ કરી તેમણે બતાવેલા માર્ગ પર ચાલવા લાગો છો. કેટલાક સંદેશ મહાપુરૂષો તેમના આચરણ દ્વારા આપે છે. સદ્ગુરૂની દરેક ચેષ્ટા એક ઉપદેશ છે અને આપણે ગુરૂની દરેક ચેષ્ટાથી તેમના આચરણથી શીખવાનું છે.

પૂજય ભાઇશ્રીએ જણાવ્યું કે વિશ્વાસ એ જ ભકિત છે અને શાસ્ત્રો અને સદ્ગુરૂના વચન સો ટકા સત્ય છે તેવી દૃઢ નિષ્ઠાનું નામ જ શ્રદ્ધા છે. ગુરૂમાં ભગવાનને જોવા એ જ ભકિત છે. જયારે ભગવાનને ગુરૂના રૂપમાં જોવા એ જ્ઞાન છે.

એ રજ પવિત્ર છે જયાંથી કોઇ મહાપુરૂષ ચાલતા નીકળુ, જેમનું આચરણ એટલું પવિત્ર હોય તેમના ચરણ જયાં પડે તે રજ પવિત્ર થઇ જાય છે અને જયાં સુધી આવા સદ્ગુરૂના ચરણાવિંદની રજ આપણા મસ્તક પર ન પડે ત્યાં સુધી આપણું ચિત્ત શુદ્ધ નહીં થાય  ત્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ નહીં થાય.

ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂપૂજનના ઉપક્રમમાં આ વર્ષના મનોરથી લખનઉ યુ.પી.ના શ્રી આલોકભાઇ અવસ્થી અને શ્રીમતી જુહીબેન અવસ્થી પરિવારે સૌ પ્રથમ ગુરૂપૂજન કર્યા બાદ ભાઇશ્રીના ભાવિકવૃંદે ક્રમશઃ અને શિસ્તબદ્ધ રીતે ગુરૂપૂજન વિધીમાં ભાગ લીધો હતો. ધ્વજારોહણ બાદ ગુરૂ ગીતા પાઠ શ્લોક પાઠન પૂજન કરવામાં આવેલ છે. 

ગુરૂપૂર્ણિમા નિમિત્તે સાંદીપનિ વિદ્યનિકેતનમાં ધીરૂભાઇ અંબાણી પરિવારના મોભી શ્રીમતિ કોકીલાબેન ધીરૂભાઇ અંબાણી વિશેષ વ્યકિતના રૂપમાં ઉપસ્થિતિ રહ્યા હતાં અને શ્રીહરિ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે પૂજય ભાઇશ્રીએ આપેલા હિન્દી પ્રવચનોને અંગ્રેજીમાં અનુવાદિત કરી 'ગુરૂવાણી' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું જેના સ્પોન્સર પણ સોનાબહેન દામાનિયા છે. તેનું વિમોચન થયું જયારે બીજુ પુસ્તક 'ઋષિકુળ દૈનન્દિની' જેમાં ત્રિકાળ સંધ્યા સહિતના વૈદિક મંત્રોને ગુંથી લેવામાં આવ્યા છે તે પુસ્તકની ચોથી આવૃત્તિનું લોકાર્પણ થયું. આ પ્રસંગે પુસ્તકના મનોરથી હિતેશભાઇ જયસ્વાલ તથા શ્રીમતિ નિલમબહેન જયસ્વાલ ઉપસ્થિત રહ્યા હતાં. ગુરૂપૂર્ણિમા નિમિત્તે સાંદીપનિ શ્રી હરિ મંદિરમાં દર્શનની મનોહર ઝાંખી થઇ હતી.

(11:27 am IST)