Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

લાંચ પ્રકરણમાં મોરબીના લગધીરપુરના સરપંચ જગદીશ જાદવની શોધખોળ

સરકારી જમીનમાં પાણીના બોરના ઉપયોગ માટે ૩૦ હજારની લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવી સરપંચ વતી લાંચ લેનાર પોકરલાલ ગુર્જરને ઝડપી લીધો'તો

મોરબી તા. ૧૭: સરકારી જમીનનો બોર ઉપયોગ કરવા માટે ૩૦ હજારની લાંચની માંગણી કરી લગધીરપુરના સરપંચ વતી લાંચ લેનાર એક શખ્સને ગઇકાલે એસીબીએ ઝડપી લીધો હતો જયારે સરપંચની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીએ લગધીરપુર ગામની સરકારી પડતર જમીનમાં બોર કરી તેમાંથી પાણી કાઢી ગામની નજીકના સિરામિક ફેકટરીમાં પીવાનું પાણી પોતાના ટેન્કરો દ્વારા વિતરણ કરતા હોય જેને પગલે લગધીરપુર ગ્રામ પંચાયત સરપંચ જગદીશભાઇ જાદવે ગામના પાણીનો બોર ઉપયોગ કરવા માટે રૂ. ૩૦ હજારની લાંચની માંગણી કરી હતી. જેમાં અગાઉ તા. ૦૭ના રોજ રૂ. ૧૦,૦૦૦ લીધા હતા અને બાકીના રૂ. ર૦ હજાર આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ફરીયાદીને લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી એસીબીમાં ફરીયાદ કરી હતી. જેના પગલે જામનગર એસીબી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ પી. વી. પરગડુએ ખોડીયાર હોટલ લગધીરપુર પાસે નકકી કરેલ સ્થળે ટ્રેપ ગોઠવી લાંચની રકમ સ્વીકારતા પોકરલાલ વેણીરામ ગુર્જર રહે. હાલ ખોડીયાર હોટલ લગધીરપુર મૂળ રાજસ્થાનવાળાને ઝડપી લીધો છે જયારે નાસી છુટેલ સરપંચ જગદીશ જાદવની શોધખોળ હાથ ધરાઇ છે.

(11:26 am IST)