Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પોરબંદરમાં વૈશાલીની ઘાતકી હત્યા અંગે પતિ સાસુ સસરા અને નણંદ સામે ગુન્હો

બેકાર પતિને લીધે પત્નીને સાસરિયાવાળા સામે અવારનવાર ઝઘડા થતા હતાં : વૈશાલીના પીયરીયા ભાટીયામાં અંતિમ વિધિ

પોરબંદર, તા. ૧૭ : ચોપાટી વિસ્તારમાં પરિણિતા વૈશાલી પ્રશાંત ચોલેરાની બોથડ પદાર્થના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરનાર પતિ પ્રશાંત રાજેશ ચોલેરા, સસરા રાજેશ કાંતિલાલ ચોલેરા, સાસુ કામીનીબેન તથા નણંદ પુજા સામે પોલીસે હત્યાનો ગુન્હો નોંધયો છે.

વૈશાલીનું સીડી ઉપરથી પડી જવાથી પોત નિપજયાનું ભાટીયા રહેતા વૈશાલીના પિતા ભગવાનજીભાઇ હરીદાસ ગોકાણીને મોડેથી જાણ થતાં તેમને શંકા ગયેલ હતી અને તેમણે વૈશાલીના સાસરિયાએ હત્યા કર્યાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ સીડી ઉપર પડી જવાની ઉપજાવી કાઢેલી કહાની બહાર આવતા ભગવાનજીભાઇ ગોકાણીએ વૈશાલીના પતિ પ્રશાંત રાજેશ ચોલેરા, સસરા રાજેશ કાંતિલાલ ચોલેરા, રાજેશ કાંતિલાલની પત્ની કામીનીબેન અને રાજેશ કાંતિલાલની પુત્રી પૂજા જે પરિણિત અને અમેરિકાથી આવેલ તેની સામે પોલીસ ફરીયાદ કરતા હત્યાનો ગુન્હો નોંધાયો છે.

ચોપાટી વિસ્તારમાં રહેતા પરિણિતા વૈશાલી પ્રશાંત ચોલેરા નામની યુવતીને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ વખતે તે સીડી પરથી પડી ગયાનું જણાવાયું હતું. આ યુવતીનું મૃત્યુ થયું હતું. બીજી તરફ યુવતીના સસરા રાજેશભાઇ કાંતિલાલ ચોલેરાએ ભાટીયા રહેતી તેની વેવાણને ફોન કરીને તમારી પુત્રી સીડી પરથી પડી ગઇ છે અને સરકારી હોસ્પિટલે લઇ ગયા છે તે ગંભીર છે તેવી વાત કરી હતી. આ વાત સાંભળીને લતાબહેન તેના પતિ ભગવાનજીભાઇ ગોકાણી, પુત્ર કૃણાલ અને પુત્રવધુ કોમલ ખાનગી વાહન દ્વારા પોરબંદર પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ગયા ત્યારે વૈશાલી સીડી પરથી પડી ગયા બાદ માથામાં ઇજા થતા તેનું મૃત્યુ થયાનું અને લાશને પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવી હોવાનું જણાવાયું હતું. પુત્રીની લાશ જોઇને પરિવારજનો અવાચક થઇ ગયા હતાં.

પુત્રીના માથામાંથી લોહી નિકળતું હતું અને તેના ગળાના ભાગે વિખોડિયાના નિશાન નજરે પડયા હતાં. પુત્રીનું મૃત્યુ શંકાસ્પદ જણાયું હતું. બાદમાં ભાટીયામાં ચા, પાન અને બીડીનો વેપાર કરતા મૃતકના પિતા ભગવાનજીભાઇ ગોકાણીએ તેની પુત્રીને જમાઇ પ્રશાંત રાજેશભાઇ ચોલેરાએ મારી નાખી હોવાના આરોપસરની ફરીયાદ કરી હતી. જમાઇની સાથોસાથ સસરા રાજેશ કાંતિલાલ ચોલેરા, સાસુ કામીની અને અમેરિકાથી આવેલી નણંદ પુજાએ પણ સહકાર આપ્યાનો આક્ષેપ કરેલ.

પોલીસની તપાસમાં વૈશાલીના લગ્ન બાર વર્ષ પહેલા પ્રશાંત સાથે કરવામાં આવ્યાનું અને તેને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર અંશ હોવાનું ખૂલ્યું હતું. લગ્ન બાદ વૈશાલી અને પ્રશાંત આફ્રિકા ખાતે રહેતા હતાં. ચાર વર્ષ પહેલા જ તેઓ ત્યાંથી પોરબંદર આવ્યા હતાં, પરંતુ પતિનું કામ-ધંધામાં મન લાગતું ન હતું. તેના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં હતાં. વૈશાલી અનેક વખત રીસામણે બેઠી હતી.

પોસ્ટમોર્ટમ બાદ વૈશાલીના મૃતદેહની અંતિમવિધિ સાસરિયા પોરબંદરમાં કરવા ઇચ્છતા હતા, પરંતુ પીયરીયાઓએ તમે અમારી દિકરીને પતાવી દીધી છે તેમ કહીને મૃતદેહને વતન ભાટીયા લઇ ગયા હતાં. પોલીસે મૃતકના સાસરિયાઓની ક્રોસ પૂછપરછ શરૂ કરી છે અને હત્યા થયાનું ખૂલ્યું હતું.(૮.૭)

(12:06 pm IST)