Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ગીર-સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં વરસાદી આફતઃ રાજ્યના ૩૨ જિલ્લાના ૨૦૬ તાલુકામાં વરસાદ પડ્યોઃ ૧ વ્‍યક્તિનો ભોગ લીધોઃ ભારે વરસાદના કારણે ૧૮૦ ગામોમાં વિજ પુરવઠો ઠપ્પઃ ૧૮૪ રસ્‍તાઓ બંધ થતા વાહન વ્‍યવહારને ભારે અસરઃ NDRFની ટીમ ખડેપગે

અમદાવાદઃ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં 3500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વરસાદની પરિસ્થિતિ અંગે માહિતી આપતા રાહત કમિશ્નર મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે રાજ્યના 32 જિલ્લાઓના 206 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે તેમજ એક માનવ મોત નોંધાયું છે. હાલ નેશનલ, સ્ટેટ અને પંચાયત હસ્તકના મળીને કુલ 184 રસ્તાઓ બંધ છે. તો 180 જેટલા ગામડાઓમાં વીજળી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. વરસાદને પાણી ઉતરતા જ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ગીર-સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 24 તાલુકાઓમાં 100 મિલીમીટર એટલે કે ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. 51થી 100 મિલીમીટર વરસાદ નોંધાયો હોય તેવા તાલુકાઓની સંખ્યા 42 છે. જ્યારે બાકીના તાલુકાઓમાં 26 મિલીમીટરથી ઓછો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 40 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં હાલ એનડીઆરએફની 20 ટીમ તહેનાત છે. જેમાંથી આઠ ટીમ સૌરાષ્ટ્રમાં તહેનાત કરવામાં આવીછે. આઠમાંથી ચાર ટીમ ગીર-સોમનાથ જિલ્લામાં તેમજ એક ટીમ જૂનાગઢ, એક અમરેલી એક ભાવનગર અને એક રાજકોટમાં તહેનાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ચાર ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ, નવસારી, વાપી અને સુરતમાં એક-એક ટીમ તહેનાત રાખવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં મહિસાગર અને અરવલ્લી અને ગાંધીનગર ખાતે એક-એક ટીમ તહેનાત રાખવામાં આવી છે. વડોદરામાં ત્રણ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

રાહત કમિશ્નરના જણાવ્યા પ્રમાણે રાજ્યના કુલ 203 મોટા ડેમમાંથી પાંચ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. જ્યારે 6 ડેમ 91થી 99 ટકા સુધી ભરાઈ ગયા છે. જ્યારે ચાર ડેમ 81થી 90 ટકા સુધી ભરાઈ ગયા છે.

(5:44 pm IST)