Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

સોમનાથ પંથક મેઘાથી તરબોળ

હિરણ-ર ડેમના ૪ દરવાજા ખોલાયા હિરણ નદીમાં ઘોડાપૂર

૧૦ દિ'થી વરસતો વરસાદઃ સરસ્વતિ અને કપીલા નદી'માં ૪ વાર પૂર આવ્યું

તસ્વીરમાં હિરણ-ર ડેમના ચાર દરવાજા ખુલેલા નજરે પડે છે અને આ દરવાજા ખોલાવાને કારણે હિરણ નદીમાં આવેલ ઘોડાપુર નજરે પડે છે. (તસ્વીરઃ દેવભાઇ રાઠોડ) (૧.૧૧)

 

સોમનાથ-પ્રભાસ પાટણ તા. ૧૭: ગીર-સોમનાથ જિલ્લો છેલ્લા એક અઠવાડિયાથી મેઘ મહેરથી તરબોળ થઇ ભીંજાઇ રહયો છે. ગીર-સોમનાથ જિલ્લામં સવારના ૬ થી સાંજના ૬ સુધી પડેલ વરસાદ  વેરાવળ ૨૪ મી.મી., તાલાલા ૮૪ મી.મી., સુત્રાપાડા ૪૦ મી.મી., કોડીનાર ૬૫ મી.મી., ઉના ૨૭૯, ગીર-ગઢડા ૩૬૪ અને હજુ પણ ધીમીધારે વરસાદ ચાલું છે. ગીર-સોમનાથના ઉના-ગીરગઢડામાં મેધતાંડવને અનુલક્ષી બીન સત્તાવાર રીતે જાણવા મળે છે કે રાજયના મુખ્યમંત્રી મંગળવારે સવારે સોમનાથ આવશે ખાસ હેલીકોપ્ટરમાં તેઓ આવી  જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા કરશે.

સીંચાઇ વિભાગના નવિનભાઇ જોશીના જણાવ્યાં અનુસાર હિરણ-ર ડેમ .પર ૫૭૭ મી.મી. વરસાદ પડેલ છે અને ડેમના ચાર દરવાજા આજે સવારે ૧૦:૧૫ કલાકે અડધો-અડધો ફુટ એટલે કે ૦.૧૫ મીટર ખોલવામાં આવ્યાં છે. અને ૪૬.૩૧ કયુસેક પાણીનો જથ્થો વહેતો કરાયો છે. નીચાણવાળા વિસ્તારોને સલામતીનો જાણ કરવામાં આવી છે. ત્રિવેણી-સરસ્વતી નદી હિરણમાં જોરદાર પૂર આવતાં લોકોના ટોળાં પૂર જોવા ઉમટયા હતા.

સોમનાથ વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસથી સતત વરસાદ વરસી રહયો છે. અને સરસ્વતી અને કપીલા નદીઓમાં ત્રણથી ચાર પૂર આવેલ છે પરંતુ આ વિસ્તારમાં જયારે હિરણનદીના પૂર આવે ત્યારેજ લોકોને સંતોષ થાય છે અને પુરનો વરસાદ થયેલ મનાય છે. હિરણ નદી ઉપર બે મોટા બંધ આવેલ છે જેમાં કમલેશ્વર-૧ અને ઉમરેડી -હિરણ-ર ડેમો આવેલ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ગીરમાં વરસાદ વરસતા હિરણ-ર ડેમ સંપૂર્ણ ભરાયેલ છે. અને તા. ૧૬/૭/૧૮ નાં રોજ સવારનાં ૧૦:૨૫ નાં ૪ દરવાજા અડધો ફુટ ખોલવામાં આવેલ છે. જેથી હિરણ નદીમાં ઘોડાપુર આવેેલ છે. અત્યારે હિરણ-કપીલા અને સરસ્વતી નદીમાં ઘોડાપુર આવવા થી ત્રિવેણી સંગમ પણ છલકાયો છે.

હિરણ-ર-વેરાવળ, પાટણ અને ૪૨ ગામની જુથ યોજના તેમજ રેયોન, જી.એચ.સી.એલ. સહિતની કંપનીઓને પાણી પુરૂ પાડે છે જેથી હિરણ -ર ડેમ અને હિરણ નદીનું આ વિસ્તારમાં વિશેષ મહત્વ જોવા મળે છે. હિરણમાં પુર આવતા લોકોમાં આનંદ જોવા મળેલ અને પુરને જોવા નદી કિનારે લોકોનાં ટોળાં જોવા મળેલ. (૧.૧૧)

(12:06 pm IST)