Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

તળાજા-મહુવા પંથકમાં ભારે નુકશાન : બોરડા ગામે પશુ-વાહનો તણાઇ ગયા

ભાવનગર જીલ્લા ઉપર મેઘાની સતત મહેર : ત્રીજા દિ'એ પણ ૭ ઇંચ સુધી પાણી પડી ગયું: ગોહિલવાડના અનેક રસ્તાઓ ઉપર વાહનોની કતારો લાગી : પીથલપુર બસ સ્ટેન્ડ, તળાજાના શિવમંદિર બોરડા ગામની શાળા પાણીમાં ડૂબ્યા

ભાવનગર જીલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદથી ખાનાખરાબી સર્જાઇ છે. મહુવા-તળાજામાં નદીના પુર ગામોમાં ઘુસી જતાં લોકોને ભારે હાલાકી તોગવી પડી છે. તળાજાની તળાજી નદીના પાણી શિવ મંદિરમાં ઘુસી જતા મંદિર પાણીમાં ડુબ્યું છે. ર૦થી વધુ માલ-ઢોર અને અનેક વાહનો અને લોકોની ઘરવખરી પુરમાં તણાઇ છે. રસ્તા બંધ થઇ જતા વાહનો ચાલકો ફસાયા હતાં. ઠેર ઠેર લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. (વિપુલ હિરાણી-ભાવનગર)

ભાવનગર, તા.૧૭ : ભાવનગર જીલ્લામાં મેઘરાજાની મહેર ચાલુ રહી છે. જોકે તળાજા-મહુવા પંથકમાં અતિ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે અને જાનમાલને નુકસાન થયું છે. જીલ્લાના મહુવામાં સવા સાત, પાલીતાણામાં સવા સાત, તળાજામાં સાત, ભાવનગર અને સિહોરમાં સવા ત્રણ ઇંચ, ઉમરાળામાં અઢી ઇંચ, વલભીપુરમાં અઢી ઇંચ, ઘોઘામાં ત્રણ ઇંચ, જેસરમાં દોઢ ઇંચ અને ગારીયાધારમાં અર્ધો ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સતત ત્રીજા દિવસે પણ જીલ્લાભરમાં વાદળો ગોરંભાયેલા છે.

ગોહિલવાડ પંથકમાં ચોમાસુ જમાવટ કરી રહ્યું છે. સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જળવાઇ રહ્યો છે. સર્વત્ર સમયસર વરસાદથી પાણી અને પાકનો પ્રશ્ન હલ થયો છે. જોકે જીલ્લાના તળાજા અને મહુવા પંથકમાં ભારે વરસાદે ભારે નુકસાન પહોંચાડયું છે અને હવે ખેડૂતો મેઘરાજા થોડા સમય માટે વિરામ લે તેવી પ્રાર્થના કરવા લાગ્યા છે.

ભાવનગર જીલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન ભાવનગરમાં ૭૭ મીમી, સિહોરમાં ૮૪ મીમી, ઘોઘામાં ૭૯ મીમી, વલભીપુરમાં ૬ર મીમી, મહુવામાં ૧૬૮ મીમી, તળાજામાં ૧૭પ મીમી, પાલીતાણામાં ૧પ૮ મીમી, ગારીયાધારમાં ૧૪ મીમી, જેસરમાં ૩૧ મીમી અને ઉમરાળામાં ૬૪ મીમી વરસાદ નોંધાયો છે.

આજે સવારે શહેર-જીલ્લામાં વાદળો ગોરંભાયેલા રહ્યા છે.

એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ

ભાવનગરમાં ભારે વરસાદને કારણે જીલ્લા કલેકટર દ્વારા તળાજા અને મહુવામાં એક એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે. આવતા ર૪ કલાકમાં વધુ ધારે વરસાદની આગાહીને કારણે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે.

તળાજામાં શિવમંદિરમાં નદીનું પાણી ઘુસ્યુ : મંદિર ડુબ્યું

ભાવનગર જીલ્લાના તળાજામાં ભારે વરસાદથી તળાજી નદીના પાણી ગામમાં ઘુસી ગયા હતા. તળાજામાં ભીડ ભંજન મહાદેવ મંદિરમાં પાણી ઘુસી ગયા હતાં અને મંદિર પાણીમાં ડુબી જતા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતાં.

લોકોનું સ્થળાંતર કરાયું

ભાવનગર જીલ્લાના જેસર અને પીપરડી ગામે ૧પ૦ લોકોનું તંત્ર દ્વારા સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. પાણી ઓસરવા લાગતા સ્થળાંતર કરાયેલા લોકો પોત પોતાના ઘેર પાછા ફર્યા હતાં.

તળાજા તાલુકાના બોરડા પંથકમાં ભારે વરસાદથી તળાજા-મહુવા હાઇ-વે પર પાણી ફરી વળ્યા હતાં અને મહુવા-તળાજા હાઇવે બંધ થતાં વાહનોની કતારો લાગી ગઇ હતી.

બોરડા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા હતાં. બરોડાના નવા પ્લોટ વિસ્તાર તળાવમાં ફેરવાઇ ગયો હતો અને ઘરમાં પાણી ઘુસી જતા ઘરવખરી તણાવા લાગી હતી.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇ-વે પર  પાણીના કારણે થોડો સમય વાહન-વ્યવહાર થંભી ગયો હતો તો પીપલપુર ગામે બસ સ્ટેન્ડમાં કમર સુધી પાણી ભરાઇ ગયા હતાં.

બોરડા ગામે નાના ઝુંપડાઓ અને ઢાળીયા તો પાણીમાં તણાઇ ગયા હતાં સાથે ર૦ જેટલા ઘેટા-બકરાઓ અને કેટલીક ભેંસો પણ તણાઇ ગઇ છે. રોડ ઉપર પાર્ક કરેલા મોટર સાયકલ અને છકડા સહિત કેટલાક વાહનો પણ તણાયા હતા. બોરડાની શાળામાં ગોઠણડુબ પાણી ભરાયા છે.

શહેરના અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયા

ભાવનગર શહેરમાં પણ મેઘરાજાએ સતત બીજા દિવસે ભારે વરસાદ વરસાવતા ઠેર ઠેર પાણી ભરાયા હતાં. શહેરના કાળીયાબીડ, કુંભારવાડા, વિઠ્ઠલવાડી જેવા અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાતા તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. મેયર  મોરી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ સહિતના મ્યુ. પદાધિકારીઓ અને અધિકારીઓ સતત દોડતા રહ્યા હતાં.

મેથળા બંધારો ભરાયો

મહુવા પંથકમાં ભારે વરસાદથી મહુવા પંથકના ખેડૂતોએ શ્રમદાનથી બંધાવેલા મેથાળા બંધારામાં પાણીની ધસમસતી આવક થતાં આજે બંધારો છલકાઇ ગયો હતો જેના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. (૮.૮)

(12:02 pm IST)