Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

માંગણી નહિ સંતોષાતા નારાજગી : જામજોધપુર તાલુકાના તમામ મધ્યાહન ભોજન કેન્દ્રોને 'તાળા'

સંચાલકો, રસોયા, મદદનિશને અપૂરતુ વેતન અપાયુ હોવાનો સૂર

જામજોધપુર તા. ૧૭ : પંથકના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંચાલકો, રસોયા અને મદદનિશને પગાર અપૂરતો મળતો હોવા મુદ્દે અગાઉ અનેક રજૂઆતો બાદ પણ યોગ્ય નિવેડો નહિ આવતા નારાજગી પ્રસરી છે... જેના વિરોધરૂપે આજથી જ તાલુકાના તમામ મધ્યાહન ભોજન કેન્દ્રોને 'તાળા' લગાવી દેવાયા છે.

આ અંગે સંચાલકોમાં થતી ચર્ચાનુસાર મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોને ૧૬૦૦, રસોયાને ૧૪૦૦ અને મદદનિશને રૂ. ૫૦૦નું અપાતુ વેતન ઓછું હોવાથી કોઇ રસોયા કામ કરવા તૈયાર થતા નથી.

દરમિયાન મધ્યાહન ભોજન યોજનાના તાલુકાના પ્રમુખ પરબતભાઇ નંદાણીયાના જણાવ્યાનુસાર કામના કલાકો પણ વધી જતા હોવાના સૂર સાથે એવું પણ સંભળાઇ રહ્યું છે કે, બપોરના ભોજનમાંથી બચત કરી નાસ્તા માટે તૈયાર કરાયેલ નવા મેનુંની અમલવારી કરવામાં પણ રોજેરોજ મુશ્કેલી પડી રહી છે. આ મામલે આવેદન સહિતની રજૂઆતો થઇ હોવા છતાં પણ હજુ સુધી માંગણી સંતોષાઇ ન હોવાથી નાછૂટકે આજથી તાલુકાના તમામ મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ કરી દેવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે.

(11:48 am IST)