Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

સિસિલ્સના ઉપરાષ્ટ્રપતિ કચ્છની મુલાકાતે આવેલ તે માટે વિશ્રામભાઇનો વતન પ્રેમ કારણભૂત

ભુજ, તા.૧૭: કચ્છી NRI શ્રી વિશ્રામભાઇ જાદવાભાઇનો વતનપ્રેમ સિસલ્સના ઉપરાષ્ટ્રપતિ શ્રી વિન્સેન્ટ મેરિટનને કચ્છની એક દિવસની મૂલાકાતે ખેંચી લાવ્યા હોવાની વિગત કચ્છના આજે એક દિવસ માટે મહેમાન બનેલાં સિસલ્સના ઉપરાષ્ટ્રપતિ વિન્સેન્ટ મેરિટને સેડાતાની સૂર્યા સ્પોર્ટસ એકેડેમીની મૂલાકાતે પધારતાં જાણવા મળી હતી. NRI વતનના ગામ ભારાસર થઇ તેમણે સેડાતાની મૂલાકાત સાથે કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા મેદ્યરાજા વરસે એ હેતુથી ભુજની ખારીનદી ભુતનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આયોજિત પર્જન્ય યજ્ઞના દર્શનનો લ્હાવો લીધો હતો.

સિસલ્સના ઉપરાષ્ટ્રપતિ વિન્સેન્ટ મેરિટનની આ ખાસ મૂલાકાત સંદર્ભેની પૂર્વભૂમિકાની વિગતો આપતાં ધનજીભાઈ વિશ્રામભાઈ પટેલે જણાવ્યું હતું કે, જે-તે સમયે શ્રી નરેન્દ્રભાઈ મોદીના આમંત્રણથી અમદાવાદનું સંસ્કારધામ જોયા બાદ કચ્છના વતન પ્રેમથી પ્રેરાઇને કચ્છના સિસલ્સ ખાતે રહેતાં બિનનિવાસી ભારતીય એવા વિશ્રામભાઈ પટેલ દ્વારા ભુજના સેડાતા નજીક વિશાળ વિસ્તારમાં એવી ઇચ્છા દર્શાવીને રૂ. ૮૦ કરોડનું રોકાણ કર્યું હતું કે,  પોતાની ચોવીસીના તેમજ ગામના સ્કૂલના વિદ્યાર્થીઓ અને કચ્છના ખડતલ યુવાનોને જો ખેલકૂદની તાલીમ અપાય તો તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની પ્રતિભા ઊભી કરી શકે તેવી ભાવના સાથેના વિચારથી  કેમ્બ્રિજ બોર્ડ સાથે જોડાયેલી સેડાતા ખાતેની સૂર્યા સ્પોર્ટસ એકેડેમીની સ્થાપના કરી હોવાનું જણાવ્યું હતું.

અગાઉ આ સ્પોર્ટસ એકેડેમી સિસલ્સમાં બનાવવાની ઓફર કરાઇ હતી પરંતુ સંજોગોવસાત તે ઓફર કચ્છમાંNRI વતનમાં રોકાણનું સમણું પૂર્ણ  થતાં લઇને સિસલ્સના ઉપરાષ્ટ્રપતિ કચ્છમાં તૈયાર થયેલી આ સ્પોર્ટસ એકેડેમીની મુલાકાતે આવ્યા હોવાની જાણકારી આપી હતી.

ભુજ નગર પ્રમુખ લતાબેન સોલંકી, જિલ્લા પંચાયત અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા, ઉપાધ્યક્ષ નિયતિબેન પોકાર, અગ્રણીઓ જિલ્લા ભાજપા પ્રમુખ કેશુભાઈ પટેલ, જિ.પં.પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ભાડાના પૂર્વ ચેરમેન કિરીટભાઈ સોમપુરા, જિલ્લા ભાજપાના અનિરૂધ્ધભાઈ દવે, યુવા અગ્રણી ભીમજીભાઈ જોધાણી, પરાક્રમસિંહ જાડેજા, બાપાલાલભાઇ જાડેજા, દેવરાજભાઇ ગઢવી, નવીનભાઈ જરૂ, કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ રાજેશભાઈ ભટ્ટ, મુકેશ ચંદે, જોરૂભા રાઠોડ, જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન, પશ્યિમ કચ્છના એસપી એમ.એસ.ભરાડા, અબડાસા પ્રાંત શ્રી ઝાલા તેમજ અગ્રણીઓ નગરઉપપ્રમુખ ડો.રામ ગઢવી, પૂર્વ નગરપ્રમુખ અશોક હાથી, શૈલેન્દ્રસિંહ જાડેજા, અમુલ દેઢિયા તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:46 am IST)