Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ગારીયધારમાં સતત વરસાદથી ખેતરોમાં પાણીના પાટોડા ભરાયાઃ નુકશાનીનો ભય

ગારીયાધાર તા. ૧૭ :.. ગારીયાધાર શહેરમાં ત્રીજા દિવસે પણ એક ઇંચ જેટલો વરસાદ વરસી પડયો છે. ત્રીજા દિવસે શહેરમાં અને વાડી વિસ્તારોમાં આવેલા તમામ ચેક ડેમોમાં નવા નીર આવતા થયા છે. સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્થ બનવા પામ્યુ છે. ધીમી ધારે કાચા સોનાની જેમા વરસેલા વરસાદ સમગ્ર વાતાવરણ ભેજ મયી બનવા પામ્યું હતું.

જયારે ગારીયાધાર પંથકના રૂપાવટી, સાતપડા, ભંડારીયા, અખતરીયા, મોટી ચારોડીયા, વિરડી, વેળીવદર, લુવારા, ઠાંસા, વદર અને પરવડી-મોટીવાવડી જેવા ગામોમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં ૩ થી પ ઇંચ જેટલો વરસાદ પડયો છે. જેના કારણે સમગ્ર ખેતી વિસ્તારોની જમીનોમાં પાણીના પાટોડા ભરાયા છે. ખેડૂતોના કહેવા મુજબ સતત વરસેલા વરસાદના કારણે પાકોમાં પાણી લાગી જવાની ભીતી સેવાઇ રહી છે. બે દિવસમાં તડકાની ખરાડ નહી લાગે તો ખેતીના તમામ પાકોને ભારે નુકશાની થશે. તમામ પાકો બળી જવાનો ભય વ્યાપયો છે.

સાતપડા, અખતરીયા, ઠાંસા જેવા ગામોમાં ભારે વરસાદના કારણે મેરામણ અને શેત્રુજીમાં ભારે પાણીની આવક જોવામાં આવી રહી છે. વળી, તંત્ર દ્વારા વરસાદી માહોલમાં કયાંય પણ સજાગતા દેખાડવામાં આવી નથી.

ગારીયાધાર મામલતદાર કચેરીમાં પ્રવેશતા જ કાદવ-કીચડાના થી ખદબદતી ગંદકી વ્યાપી છે. કચેરીના પટાંગણમાં ઠેર-ઠેર  વરસાદી પાણીના ખાબોચીયા ભરાયા છે. જેના કારણે ઠેર-ઠેર  માખી-મચ્છરનો ઉપદ્રવ થવા પામ્યો છે.

લાંબા સમયથી આ સમસ્યા હોવાથી અરજદારો ભારે હાલાકી વેઠી રહ્યા છે. તેમ છતાં આંધળુ બનેલા તંત્ર દ્વારા આ કિચડ પર ઠાશ-મોરમના ફેરા નાખીને વધુ કિચડના થર જામે તેવી કામગીરી હાથ ધરવામાં આવી છે.

(11:46 am IST)