Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ગોંડલમાં ૪ ઇંચ : ગ્રામ્ય વિસ્તારોના અનેક રસ્તા બંધ

ડેમ, ચેકડેમ, નદી - નાળામાં નવા નીર : વાસાવડના ૫૦ લોકોનું સ્થળાંતર

ગોંડલ : શહેર અને ગ્રામ્ય વિસ્તારો ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી - પાણી થઇ ગયું છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, નરેશ શેખલીયા, ગોંડલ)

ગોંડલ તા. ૧૭ : ગોંડલ અને ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી ૮ ઇંચ જેટલો વરસાદ વરસી જતા સર્વત્ર પાણી... પાણી... થઇ ગયું છે અને નદી - નાળા - ચેકડેમ છલકાઇ ગયા છે.

ગોંડલના દેરડી(કુંભાજી), રાણસીકી, મોટીખિલોરી, પાટખિલોરી, વાસાવડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા  ગોંડલના તાલુકાના દેરડી(કુંભાજી)ની કોલપરી, પાટખિલોરીની બાંભણીયાની નદી, વાસાવડની વાસાવડી નદી ગાંડીતૂર બની છે.

ગોંડલ વાસાવડ, પાટખિલોરી ગામમાં નદીના પાણી ઘૂસ્યા છે. ગોંડલના મેતાખંભાળીયા નજીક વાસાવડી નદીના પૂલ ઉપર નદીના પાણી ફરી વળ્યાં હતા. ગોંડલ દેરડી(કુંભાજી) મોટી કુંકાવાવ જતો વાહન વ્યવહાર બંધ થયો છે.

ઙ્ગગોંડલના પાટખિલોરી ગામે નદીના પાણી ગામમાં ઘૂસવાની સાથે વાસાવડ-દેરડી(કુંભાજી)નો માર્ગ બંધ થયો છે.

ગોંડલના દેરડી(કુંભાજી), રાણસીકી, મોટીખિલોરી, પાટખિલોરી, વાસાવડ સહિતના ગામોમાં ૪ કલાકમાં ધોધમાર ૮ ઈંચ વરસાદ પડયો છે.

ગોંડલ શહેરમાં મેઘરાજાએ કૃપા વરસાવી હોય તેમ ચાર ઇંચ વરસાદ વરસી જતા લોકોમાં ખુશીની લહેરદોડી ઉઠી હતી, ધોધમાર વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ સવારે ઝરમર વરસાદ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હોય તેમ બપોરના ૧૨ કલાકથી ધોધમાર વરસવાનું શરૂ કરતા બે કલાકમાં ૪ ઇંચ વરસાદ પડી જવા પામ્યો હતો વરસાદના કારણે શહેરના ભુવનેશ્વરી રોડ, કોલેજ ચોક, કાશીવિશ્વનાથ રોડ પર આવેલ રાતા નાલા તેમજ જેલચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાતા નગરપાલિકા તંત્રએ દોડી જઇ ભરાયેલ પાણીનો નિકાલ કર્યો હતો.

સરકારી તંત્ર દ્વારા ગોંડલની મામલતદાર કચેરીએ ફલડ કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે પરંતુ ત્યાં હાજર રહેતા જવાબદાર અધિકારીઓ પાસે કોઈપણ ગ્રામ્ય વિસ્તારના વરસાદના આંકડાઓ હોતા નથી અને દરેક વખતે ટેલીફોન પર જુદાજુદા વરસાદી આંકડા આપવામાં આવતા હોય વાસ્તવમાં કેટલો વરસાદ પડ્યો તે અંગે દુવિધા સર્જાવા પામી છે.

ગોંડલના વાસાવડ ગામે નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં ઘૂસ્યા હતા જેથી સરપંચ સહિતના ગ્રામજનોએ ૫૦ જેટલા લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું.

(11:37 am IST)