Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ઉના પાસે પુરમાં યુવક તણાયોઃ દેલવાડા રેલ્વે ટ્રેક ધોવાઇ ગયો

ઉના-ગીરગઢડા તાલુકામાં ભારે વરસાદથી તારાજીઃ એનડીઆરએફની વધુ ટીમ ઉતારવા માગણીઃ ગ્રામ્ય વિસ્તારમાં વિકટ સ્થિતિઃ ઉના-ભાવનગર હાઇવે ઉપર પુરનાં પાણી ફરી વળેલઃ વિવેકાનંદ સ્કૂલમાં ફસાયેલા બાળકોને બચાવાયાઃ ચાંચકવડમાં ઘરમાં ઘુસ્યા

 ઉના તા.૧૭: દેલવાડાથી જૂનાગઢ જતી, દેલવાડા-વેરાવળ લોકલ મીટરગેજ ટ્રેનનાં પાટાનો ટ્રેક ધોવાઇ જતાં ટ્રેન રદ થઇ ગઇ છે, પાટા ઉપર પાણી વહી રહયાં છે.

ઉના-કોડીનાર હાઇવે રોડ ઉપર નદીનાં પુરમાં એક યુવક તણાઇ ગયાના અહેવાલ મળે છે.

ઉના-ભાવનગર હાઇવે રોડ ઉપર નાઠેજ ગામ પાસે રોડ ઉપર પુરના પાણી ફરી વળતાં સ્વામિ વિવેકાનંદ સ્કૂલનાં વિદ્યાર્થીઓ શાળામાં ફસાઇ ગયાં હતા. જેને બચાવી લેવામાં આવ્યાં હતા. કંસાર-ભાચા ગામે ઘોડાપુર આવતાં ભાચા નાં ડોળા કોલેજમાં વિદ્યાર્થીઓ ફસાઇ ગયાં છે. ચાચકવડ ગામે ઘરમાં પાણી ઘુસી જતા બેટમાં ફેરવાયું છે. એનડીઆરએફ ટીમ ઓછી પડતી હોય વધુ ટીમ મંગાવી લોકોને રેસ્કયુ કરવા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીનો સ્ટાફ ખડેપગે કામગીરી કરે છે. ગીરગઢડા ગામમાં ૧૦ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ વરસી જતાં બેટમાં ફેરવાયું છે.

ઉના તાલુકાનો મછુન્દ્રી ડેમ ૧૦ મીટર ભરાય ગયેલ છે. દરવાજા ન હોય ઓગન ઉપર થી ૧૦ કલાકથી ૬૦ સે.મી. ઓવરફલો ચાલુ રહેતા ઘસમસતા પૂરનાં પાણી ગામમાં ફરી વળ્યાં છે. રાવલ ડેમ ૧૭ મીટર ભરાયો છે. (૧.૧૦)

(10:35 am IST)