Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ઉના તાલુકાના કનેરી, કણાકીયા અને સનવાવ ગામમાં પૂરમાં ફસાયેલા ૮પ લોકોને હેલિકોપ્ટરની મદદથી સિમાસી ગામમાં ખસેડવા મદદ મંગાઇ

ઉનાઃ ઉના શહેર તેમજ તાલુકામાં વહેલી સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે આખા ઉના તાલુકાનો જમીનનો સંપર્ક કપાયો છે. ઉના તાલુકામાં પ્રવેશ કરવાના તમામ રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા છે. ઉના શહેરમાં વહેલી સવારથી 11 વાગ્યા સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી જતાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. તાલુકાના 30 ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. ઉના તાલુકાના અનેક ગામો ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાય ગયા છે. ગીરગઢડામાં પણ 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને સોમનાથ-ઉના, ભાવનગર-ઉના, ગીરગઢડા-ઉના, ધારી- ઉના રસ્તો બંધ થઈ જવાને કારણે તાલુકા સાથેનો સંપર્ક કપાયો છે.

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉના તાલુકાના કનેરી, કણાકિયા, સનવાવ ગામના પૂરમાં ફસાયેલા 85 લોકોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવાની સ્થાનિક તંત્રએ મદદ માંગી છે. આ ગામના લોકોને હેલિકોપ્ટરથી સીમાસી ગામમાં ખસેડવાની મદદ માંગવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગીર સોમનાથ જિલ્લામાં આવેલો હિરણ ડેમ-2 પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો છે. જેના પગલે ડેમના દરાવાજ પણ ખોલાયા હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડવા માટે લોકોની માગ પણ ઉઠી રહી છે. જૂનાગઢ સહિત ગીર સોમનાથ વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીની આવક વધી રહી છે.

ભારે વરસાદને કારણે ગીરગઢડાનું કરેણી ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં વરસાદના પાણી ફરી વળ્યા છે. પાણીને કારણે ગામમાં  એક મકાન પણ તૂટી પડ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ મકાનમાં બાંધેલી 4 ભેંસ અને 3 બળદ પાણીમા તણાય ગયા છે.

ગીર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઉનાથી જૂનાગઢ જતી ટ્રેન ફસાઈ હોવાની માહિતી મળી રહી છે. વરસાદને કારણે રેલવેના ટ્રેકનું ધોવાણ થતાં ટ્રેન વ્યવહાર અટકી પડ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં પાછલા અઠવાડિયાથી પડી રહેલા વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે. ઉનાના સૈયદ રાજપરા ગામે દરિયાના કરન્ટને પગલે ગામમાં પાણી ફરી વળ્યા છે. અંદાજે 15 હજાર લોકોની વસતી ધરાવતા સૈયદ રાજપરા ગામના નીચાણવાળા વિસ્તારો અને ઝૂંપડપટ્ટીમાં ગોઠણસમાણા પાણી ભરાઈ ગયા છે. ગામના અનેક ઘર પાણીમાં ડૂબી ગયા છે. તો સ્કૂલ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. દરિયામાં ઉંચા મોજા ઉછળતા પાણી સીધું જ ગામમાં ઘૂસી રહ્યું છે.

(5:46 pm IST)