Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

હળવદ માર્કેટયાર્ડમાં મગફળી અને ધાણા પલડી જતાં ખેડૂતોમાં નારાજગી :વળતરની કરી માંગણી

યાર્ડની બેદરકારીના કારણે અને શેડના નીચે ખેડૂતોનો માલ નહીં રાખતા પલળી ગયો

હળવદ શહેર અને આસપાસના ગામોમાં વરસાદી ઝાપટુ પડતા હળવદ માર્કેટિંગ યાર્ડ હરાજીમાં લાવેલ મગફળી, ધાણા, ઘઉં, સહિતની જણસી પલળી જતા ખેડૂતોને રાતાં પાણીએ રોવાનો વારો આવ્યો છે. આમ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે માર્કેટીંગ યાર્ડની બેદરકારીના કારણે અને શેડના નીચે ખેડૂતોનો માલ નહીં રાખતા તેનો માલ પલળી ગયો છે તો માર્કેટિંગ યાર્ડ દ્વારા ધરતીપુત્રોઓને વળતર આપવામાં આવે તેવી તેની માંગ કરી છે.

હળવદમાં ગુરુવારે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા વરસાદનું આગમન થયું હતું, ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં બહારગામથી આવતા ખેડૂતોએ પોતાનો માલ લઈ આવ્યા હતા. હરાજી માટે જેમાં મગફળી, ધાણા, ઘઉં પાકોને હળવદ તાલુકાના જુદા જુદા ગામોમાંથી ખેડૂતો હરાજી કરવા માટે આવેલા હતા. ત્યારે એકાએક બપોરે વરસાદી ઝાપટુ વરસી ગયું હતું. ખુલ્લા આકાશમાં રાખેલ ઘઉં અને મગફળી અને ધાણા પાકોમાં પર પાણી ફરી વળતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.

આ અંગે દેવીપુર ગામના ખેડૂત પ્રેમજીભાઈ જણાવ્યાના પ્રમાણે 84 મણ મગફળી હળવદ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે લાવેલા હતા. જેની હરાજી પણ થઈ ગઈ હતી, પરંતુ માર્કેટીંગ યાર્ડના શેડ નીચે રાખવાને બદલે ખુલ્લા આકાશમાં મગફળીનો ઢગલો રાખ્યો હતો. વરસાદને લઈને મારી મગફળી પલળી ગઈ છે અને મોટું નુકસાન થયું છે.

ત્યારે માર્કેટિંગ યાર્ડ દ્વારા વળતર આપવામાં આવે તેમ જણાવ્યું હતું. તેમજ મગફળી ધાણા સહિતન‌ની જણસી પર પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને માર્કેટીંગ યાર્ડના આયોજનના અભાવે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.

(11:40 pm IST)