Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મોરબી જિલ્લામાં પીવાના પાણીની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે યોજી રિવ્યુ બેઠક

કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લાના તાલુકા મથકો ઉપર અને ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની વિવિધ યોજનાઓની સમીક્ષા અને રજૂઆતોની રીવ્યુ બેઠક યોજાઈ

રાજ્યના પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ મોરબી જિલ્લામાં પાણી પુરવઠા હેઠળ ચાલી રહેલ વિવિધ યોજનાકીય કામોની સમીક્ષા અને રિવ્યુ કરવા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
 મોરબી સર્કિટ હાઉસ ખાતે ગુરુવારે સવારે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લાના તાલુકા મથકો ઉપર અને ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની વિવિધ યોજનાઓ તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ તરફ મળેલ રજૂઆતોને ધ્યાને લઇને રિવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. રિવ્યુ બેઠકમાં મોરબી જિલ્લાની બ્રાહ્મણી -૧ અને બ્રાહ્મણી-૨ જૂથ યોજના તેમજ વોટર ફિલ્ટર પ્લાન્ટ, ઓવર હેડ ટેન્ક, પંપ હાઉસ સહિતના ચાલી રહેલ કામોની વિગતો મેળવી મંત્રીશ્રીએ જાત માહિતી મેળવી બેઠકમાં અધિકારીશ્રીઓ તેમજ લગત એન્જસીઓના પ્રતિનિધિઓને કામો સમયસર પૂર્ણ થાય અને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે જોવા માટે તાકીદ કરી હતી.
વર્ષ ૨૦૨૨ સુધી તમામ ઘરો સુધી નળ મારફતે પાણી મળી રહે તે દિશામાં કામગીરી ચાલી રહી છે ત્યારે મોરબીમાં પણ આ કામગીરી સમયસર પૂર્ણ થાય અને નાગરિકોને પીવાનું પાણી ઘરમાં જ નળ મારફત મળી રહે તે અંગેની વિવિધ યોજનાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે. આ યોજનાઓના બાકી રહેતા કામો સમયસર પૂર્ણ થાય અને છેવાડાના ગામો સુધી પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે અધિકારીઓ સાથે મળી એક્શન પ્લાન પર અસરકારક કામગીરી કરવા પર ભાર મુક્યો છે.
કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને મળેલ આ રિવ્યુ બેઠકમાં મોરબી જિલ્લાના પાણી પૂરવઠા વિભાગના અધિકારીઓ અધિક્ષક ઈજનેર એચ.બી.જોધાણી, કાર્યપાલક ઈજનેર વાઈ.એમ.વંકાણી, કાર્યપાલક ઈજનેર (યાંત્રીક)કે.પી.માકડીયા, વસ્મોના કીરીટ બરાસરા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:57 pm IST)