Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

રાજુલામાં અંબરીશભાઈ ડેર સહિતની અટકાયતઃ ત્રણ જગ્યાએ રેલ રોકો આંદોલન

રેલ્વે પ્રશ્ને હવે પછી શું આંદોલન કરવું ? તે અંગે રાત્રે નિર્ણયઃ પરેશભાઈ ધાનાણી સહિતના દ્વારા સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆત

રાજકોટ, તા. ૧૭ :. અમરેલી જીલ્લાના રાજુલામાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશભાઈ ડેરની આગેવાનીમાં રેલ્વે જમીનના પ્રશ્ને છેલ્લા ૧૦ દિવસથી આંદોલન ચાલી રહ્યુ છે. જેમાં આજે વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, પૂંજાભાાઈ વંશ સહિત ૧૨થી ૧૫ જેટલા કોંગ્રેસના ધારાસભ્યો રાજુલા આંદોલનને સમર્થન આપવા માટે આવી રહ્યા હતા ત્યારે તેઓને રસ્તામાં જ તંત્ર દ્વારા રોકી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓને જવા દેવામાં આવ્યા હતા. જ્યાં બપોરે અંબરીશભાઈ ડેર સહિતનાની આગેવાનીમાં રેલ રોકો આંદોલન શરૂ કરવાની તૈયારી કરાતા પોલીસે અંબરીશભાઈ ડેર સહિત પાંચની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.

આ અંગે ધારાસભ્ય અંબરીશભાઈ ડેરએ 'અકિલા'ને જણાવ્યું હતુ કે, તંત્ર દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને આંદોલનમાં આવતા રોકીને ભાજપ સરકાર દ્વારા સત્તાનો ગેરઉપયોગ કરવામાં આવ્યો છે.

અંબરીશભાઈ ડેરએ વધુમાં જણાવ્યુ છે કે આજે બપોરના ૧૨ વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે અને રેલ્વે તંત્ર દ્વારા મિટીંગ કરવામાં આવનાર છે જે પ્રશ્નનું નિરાકરણ ન આવતા બપોરે પરેશભાઈ ધાનાણી સહિતનાની ઉપસ્થિતિમાં ૨૦૦૦ જેટલા લોકો ધરણા સ્થળે આવી પહોંચ્યા હતા પરંતુ પોલીસે અટકાયત કરતા અંબરીશભાઈ ડેરને સમર્થન આપવા માટે રાજુલાવાસીઓ પણ અંબરીશભાઈ સાથે અટકાયત કરવાની પોલીસ સમક્ષ માંગણી કરી હતી પરંતુ અંબરીશભાઈએ વિનંતી કરતા લોકોએ તેમની વાત માન્ય રાખી હતી.અંબરીશભાઈ ડેરે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે રાત્રીના આ આંદોલન મુદ્દે આગળના કાર્યક્રમો નક્કી કરીને આ પ્રશ્નને હલ કરવા પ્રયાસ કરીશું.

નોંધનીય બાબત છે કે નગરપાલિકાના રેલ્વેની જગ્યા જોઈએ છે જેમા સર્કલ તેમજ રસ્તા પહોળા કરવા બાગ બગીચા સહિતની વસ્તુઓ બનાવી છે તે માટે રેલ્વેની જગ્યા માગણી કરી છે પરંતુ રેલ્વે તંત્ર દ્વારા આજ દિન સુધી જગ્યા આપી નથી.

(4:03 pm IST)