Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

જામનગરના યૌન શોષણ પ્રકરણમાં નિવેદનો લેવાયા : તપાસનો ધમધમાટ

અહેવાલ કલેકટરને સોંપાશે : 'આપ' સહિત રાજકીય - સામાજીક આગેવાનો - કાર્યકરો પણ મેદાનમાં

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૭ : જામનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં મહિલા એટેનડેન્ટના યૌન શોષણ અંગેના આક્ષેપો બાદ સમગ્ર મામલાને લઈને સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા હતા અને મુખ્યમંત્રીએ આ અંગે તપાસ માટે સીધો જ કલેકટરને ફોન કરી આ મુદ્દે ત્રટસ્થ તપાસ કરી કસૂરવાર સામે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપતા જ સમગ્ર તંત્ર એકશન મોડમાં આવી ગયું હતું. અને SDMની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. અને આ સમગ્ર ચર્ચાસ્પદ પ્રકરણમાં અનેક લોકોના મોડી રાત સુધી નિવેદનો નોંધવામાં આવ્યા છે.

જામનગરમાં ૧૪ જૂનના રોજ કલેકટર કચેરી ખાતે જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગના હંગામી કર્મચારીઓ અચાનક જ છૂટા કરી દેતા પગાર અને અન્ય બાબતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન જ મીડિયા સમક્ષ ઉપસ્થિત મહિલા કર્મચારીઓએ હોસ્પિટલના હંગામી કર્મચારીઓને કામે રાખતા કેટલાક લોકો સામે યૌન શોષણ કરાતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાં જ રાજયના મુખ્યમંત્રીએ તાત્કાલિક આ સમગ્ર મુદ્દે તપાસ માટે આદેશો કર્યા હતા આ દરમિયાન જ ખૂબ જ ગંભીર આક્ષેપોને લઈને રાજયના ગૃહમંત્રી અનેક આરોગ્ય વિભાગ પણ સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક કસૂરવારો સામે પગલાં લેવા તમામ ડિપાર્ટમેન્ટને સૂચના આપી દેવામાં આવી હતી.

જી.જી.હોસ્પિટલમાં કથિત યૌન શોષણ મુદ્દે તપાસ માટેના આદેશો મળતા જ જિલ્લા કલેકટરે તાબડતોબ પત્રકાર પરિષદ બોલાવી આ મુદ્દે તપાસ કમિટીની રચના કરી હતી. જેમાં એસડીએમ આસ્થા ડાંગર, જામનગરના એ.એસ.પી નિતેષ પાંડેય અને ડેન્ટલ કોલેજના ડીન ડો. નયના પટેલની તપાસ કમિટીને આ સમગ્ર મુદ્દે તમામ સત્તાઓ સાથે તપાસ સોંપવામાં આવી હતી. અને કસૂરવારો સામે એફ.આઈ.આર. સહિતની કાર્યવાહી માટે પણ કડક સૂચના આપવામાં આવી છે.

આ સમગ્ર મુદ્દે જીજી હોસ્પિટલથી શરૂ થયેલ યૌન શોષણનો મુદ્દો ૧૬ જૂનના બુધવારે દિવસ દરમિયાન ચર્ચાના ચકડોળે રહ્યો હતો અને મુદ્દો હોસ્પિટલ કમ્પાઉન્ડથી ડેન્ટલ કેમ્પસ સુધી પહોંચ્યો હતો જયાં અલગ અલગ જગ્યાએ મહિલા કર્મચારીઓ અને તેમની સામે આક્ષેપ કરાયા છે તે લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. આ નિવેદનો નોંધાયા બાદ મોડી રાત્રે સમગ્ર મુદ્દે તપાસ કમિટીના એસડીએમ આસ્થા ડાંગરે મીડિયા સમક્ષ કહ્યું હતું કે ખાસ વિડિયો રેકોર્ડિંગ સાથે ગુપ્ત રાહે તમામ નિવેદનો લેવાયા છે અને આ અંગેનો અહેવાલ જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવશે તેવું તેમને જણાવી તપાસ કમિટી તપાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

જામનગરની જી.જી હોસ્પિટલના કોવિડ વિભાગમાં મહિલા કર્મચારીઓના યોન શોષણ મામલે રાજકીય અને સામાજિક આગેવાનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા અને કેટલાક હંગામી કર્મચારીઓ સાથે આ સમગ્ર મુદ્દે ઘટસ્ફોટ પણ કર્યા હતા. અને હોસ્પિટલના હંગામી કર્મચારીઓના મેનેજમેન્ટ કરતા એચ આર મેનેજર અને કેટલાક સુપરવાઈઝર દ્વારા ૬૦ થી ૭૦ જેટલી યુવતીઓના શોષણ થતા હોવાના દાવા સાથે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલા અગ્રણીઓ દ્વારા તપાસમાં બોલાવાયેલ હંગામી મહિલા કર્મચારીઓના નિવેદનો દરમિયાન સમગ્ર પ્રકરણને દબાવવામાં આવી રહ્યું હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને નિવેદન બાદ યુવતીએ પણ ઉલટ તપાસમાં પ્રકરણ દબાવી ને સફેદ કરવાના પ્રયત્નો થતા હોય તેવા આક્ષેપ પણ કર્યા હતા.

જી.જી.હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં હંગામી કર્મચારીઓની ભરતી અને કાર્યકાળ દરમિયાન યૌન શોષણની સમગ્ર કથિત ઘટનાને લઇને વાતાવરણ પણ ગરમાયુ છે અને આમ આદમી પાર્ટી સહિત રાજકીય અને સામાજિક લોકો પણ યુવતીઓના ફેવરમાં મેદાને ઉતર્યા છે.(

(1:46 pm IST)