Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ખંભાળિયાના સીમાણી કાલાવડમાં ૧૦ વિઘા જમીન ઉપર કબ્જો કરનાર વિરૂધ્ધ લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી

ખંભાળિયા,તા. ૧૭ : ખંભાળિયા પંથકમાં બે દિવસમાં બે લેન્ડગ્રેબિંગ હેઠળ પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડમાં ૧૦ વિઘા જમીન ઉપર કબ્જો કરી તેમાં પાકા મકાન તેમજ કુવો કરી જગ્યા પચાવી પાડતા વૃધ્ધા નોંધાવેલી ફરિયાદના આધારે શખ્સ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સીમાણી કાલાવડ ગામે રહેતા રામસંગભા શિવુભા જાડેજા (ઉવ.૬૮) નામના વૃધ્ધે જિલ્લા કલેકટરમાં અરજી કરી હતી કે સીમાણી કાલાવડ ગામની સીમમાં મારી નવા સર્વે નં. ૧૩૧ વાળી ૧૦ વિઘા જમીન આવેલી છે. તેની સરકારી જંત્રી મુજબ ૩,૨૮,૭૦૦ ની કિંમત થાય છે જ્યારે માર્કેટ વેલ્યુ ૨૦ લાખ જેટલી થાય છે. આ જમીન પર દુદાજી ઘેલાજી જાડેજાએ ગેરકાયદેસર રીતે કબ્જો કરી જમીનમાં પાક્કા મકાન તેમજ કુવો બનાવી નાખી જમીન પચાવી પાડેલ છે. આ અરજી અંગે કલેકટર દ્વારા સંબંધિત વિભાગને તપાસ સોંપતા તપાસના અંતે જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવનાર દુદાજી જાડેજા વિરૂધ્ધ પોલીસમાં લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા જણાવતા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

(1:28 pm IST)