Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મોરબી : રોડના નબળા કામને અટકાવતા સત્તાધીશો

નવા કામોમાં કયાંય ગેરરીતિ ના થાય તે જોવું પણ જરૂરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૭ : મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ઘણા સમયથી રોડના કામ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે નગરપાલિકાના સત્તાધીશોએ કાલિકા પ્લોટ વિસ્તારમાં દોડી ગયા હતા અને રોડના કામનું નિરીક્ષણ કરતા રોડના કામમાં લોટ, પાણીને લાકડા જેવી ગંભીર બેદરકારી દાખવાતી હોવાનું સામે આવ્યું હતું. આથી નબળા કામને અટકાવી દીધું હતું.

નવો રોડ બનાવવાની ઘણા સમયથી કામગીરી ચાલી રહી હતી. જેમાં અગાઉ રોડ આખો ખોદી નાખ્યા બાદ કોઈ કામગીરી ન કરતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આથી સ્થાનિકોએ અગાઉ અનેક વખત નગરપાલિકામાં તેમના વિસ્તારમાં અધૂરા રોડના કામના પ્રશ્ને અને રોડનું યોગ્ય રીતે ન થતું હોવાની ફરિયાદ કરી હતી. આથી નગરપાલિકાએ સૂચના આપતા કોન્ટ્રાકટર દ્વારા હમણાંથી ફરીથી આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

ફરીથી શરૂ કરાયેલા કામમાં પણ ગેરરીતિ થતી હોવાની ફરિયાદને પગલે નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને પ્રમુખના પતિ કે.કે.પરમાર ટીમ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને રોડના કામનું નિરીક્ષણ કરતા સાવ ઢંગધડા વગરનું થતું હોવાનું સામે આવ્યું હતું. હલકી કક્ષાના મટીરીયલ અને લેવલ વગરના રોડનું કામ ધ્યાને આવતા આ કામ અટકાવી દેવામાં આવ્યું હતું. તેમજ સ્થળ ઉપર જ કોન્ટ્રાકટર અને સુપરવાઇઝરને બોલાવીને ઉઘડો લીધો હતો અને ફરીથી ટેન્ડરના નીતિ નિયમ મુજબ રોડનું યોગ્ય રૂટ કામ કરવાની તાકીદ કરી હતી. આ ઉપરાંત, શહેરમાં કયાંય પણ રોડના કામ નબળા થતા હોય તો લોકો પાલિકાનું ધ્યાન દોરે તેવી અપીલ કરી છે.

(12:58 pm IST)