Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

દેવભૂમિ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

દેવભૂમિ દ્વારકા,તા.૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વિવેકાધીન જોગવાઈ તથા વિવિધ નવીન કામોનું આયોજન, જિલ્લાના વિકાસશીલ તાલુકાઓની જોગવાઈ હેઠળના કામ અને સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાના કામોની સમીક્ષા તેમજ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ખાસ પ્લાન યોજનાના કામોના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.

            પ્રભારી મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી – પદાધિકારીશ્રીઓને આયોજન મંડળમાં રજુ થતાં લોક સુખાકારી માટેના કામો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, શાળા – આંગણવાડીના ઓરડાઓ અને રોડ-રસ્તાઓ જેવા સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપવા જણાવ્યું હતુ.

તેમણે પ્રત્યેક ગામોમાં સ્થાનિક કક્ષાએ પ્રાથમિકતા ધરાવતા લોક સુવિધાના હાથ ધરાયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા તથા આયોજન મંડળમાં મંજૂર થયેલા કામોના પ્લાન એસ્ટીમેન્ટ સત્વરે રજૂ કરી આ મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.

જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીના, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રાજીબેન મોરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, જિલ્લાની નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તથા ચીફ ઓફીસરશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તથા સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:38 am IST)