Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વીરપુરના પત્રકારો સાથે ઉદ્ઘતાઈ પૂર્વક વર્તન કરનાર ડોકટર તેમજ સ્ટાફ સામે પગલાં ભરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વીરપુર (જલારામ) -ગોંડલ,તા. ૧૭: સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ઘ યાત્રાધામ વીરપુર (જલારામ)ના પત્રકારોએ ગોંડલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરને કારણે આશરે બે મહિનાથી જલારામ મંદિર યાત્રાળુઓ માટે બંધ હતું. જે બે દિવસ પહેલા જ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં વેપાર કરતા નાનામોટા બધા જ વેપારીઓને પોતાના ધંધા રોજગાર પર દર દસ દિવસે કોરોનાનો RTPCR નેગેટિવ રિપોર્ટ અથવા તો વેકસીન ફરજીયાત લઈ વેકસીન લીધાનું પ્રમાણ પત્ર સાથે રાખીને વેપાર કરી શકે ત્યારે ૧૮ થી ૨૦ હજાર જેટલા લોકોની વસ્તી ધરાવતા યાત્રાધામ વીરપુરમાં વેપારીઓ જયારે વેકસીન લેવા માટે વીરપુરની સરકારી હોસ્પિટલમાં જાય ત્યારે સરકારી હોસ્પિટલના કર્મચારીઓ અહિયાં વેકસીન નથી તમે રાજકોટ અથવા બીજા કોઈ શહેરમાં જઈને વેકસીન લઈ લો તેવા ઉડાવ જવાબ આપતા હોવાની ગામલોકોએ અમોને ફરીયાદ કરેલ હતી.

જે અનુસંધાને ગામના જ કેટલાક જાગૃત યુવાનો આ બાબતે સરકારી હોસ્પીટલે રજુઆત કરવા જવાના હોવાની અમોને જાણ કરી હતી. જેથી અમો પત્રકારો અમારી ફરજ મુજબ જાગૃત યુવાનો સાથે સરકારી હોસ્પીટલે જતા હોસ્પીટલમાં વેકસીનની નોંધ કરતાં કોમ્પ્યુટર ઓપરેટર અને ડો. ડોડીયાએ ઉડાવ જવાબ આપી જાગૃત યુવાનો સાથે પત્રકારોને પણ હડધૂત કરીને હોસ્પિટલની બહાર નીકળી જાવ તેવુ ઉદ્ઘતાયભર્યું વર્તન કર્યું હતું.

જેથી પત્રકારો સાથે વારંવાર અપમાનજનક વર્તન કરનાર કોમ્પ્યુટર ઓપરેટરને છુટા કરવા તેમજ ડોકટર સામે ખાતાકીય પગલાં ભરી તેની બદલી કરવા અંતમાં માંગ કરી હતી.

(11:35 am IST)