Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

પ્રભાસપાટણ : જેતપુરનું પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવા સામે અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

પ્રભાસપાટણ તા.૧૭ : સુત્રાપાડા બંદરના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરતા જણાવેલ કે જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષીત પાણી ૭૦૦ કરોડના ખર્ચે પાઇપલાઇન દ્વારા પોરબંદરના દરિયા કિનારે ઠાલવવામાં આવશે. આવુ થશે તો પોરબંદર અને આસપાસનો ૨૦૦ કિમી સુધીનો દરિયો પ્રદુષીત થઇ જશે અને અસંખ્ય માછીમારો કે જે માછીમારીના વ્યવસાય ઉપર આધારીત છે તે કુટુંબો બેકારીના ખપ્પરમાં હોમાય જશે.

સરકાર દ્વારા કહેવામાં આવેલ કે આ પાણી શુધ્ધ કરીને દરિયામાં ઠાલવવામાં આવશે પરંતુ આ બાબત લાંબા ગાળા માટે શકય નથી કારણ કે સુત્રાપાડામાં ગુજરાત હેવી કેમીકલ્સ દ્વારા પણ આજ વસ્તુ કહેવામાં આવેલ હતી પરંતુ હાલમાં સુત્રાપાડાના દરિયાકિનારે જુવો તો કેટલાય કિમી સુધી માછલી મળતી નથી અને મૃત્યુ પામેલ માછલીઓનો જથ્થો કિનારે જોવા મળે છે અને ફેકટરીના પ્રદુષીત પાણીથી સુત્રાપાડાના દરિયાકિનારે રેતીએ પણ પથ્થરનું રૂપ ધારણ કરી લીધુ છે તેમજ આસપાસનો વિસ્તાર બિલકુલ સફેદ ચુનાના પાણીથી પ્રદૂષીત થયેલો જોવા મળે છે.

આ ઔદ્યોગીક કચરાનો નિકાલ માટે કોઇ બીજો વિકલ્પો વિચારવામાં આવે આ બાબતે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના ઉપપ્રમુખ દિલીપભાઇ આંજણી, સુત્રાપાડા બંદર કોળી સમાજ પ્રમુખ જેન્તીભાઇ સોલંકી, ઘોઘલીયા જ્ઞાતિના પટેલ સુરેશભાઇ બારૈયા, કાનજીભાઇ  સીકોતરીયા, હરેશભાઇ ગોહિલ, જેન્તીભાઇ ચાવડાએ સુત્રાપાડા મામલતદારના માધ્યમથી મુખ્યમંત્રીને રજૂઆત કરેલ.

(11:32 am IST)