Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

માળીયા બ્રાન્ચ કેનાલમાં પાણી પહોંચાડવા હળવદ કેનાલ કાંઠાના બાર ગામના ફીડર બંધ થયા બાદ ખેડૂતોમાં દેકારો

પી.જી.વી.સી.એલ. કહે છે કે ખેતીવાડી ફીડર બંધ નહિ માત્ર રીશેડ્યુલ કર્યા છે

(દીપક જાની દ્વારા)હળવદ,તા.૧૭ : ગઈકાલે વીજળી મુદ્દે ભારે ગરમાવો રહ્યો હતો.નર્મદા યોજના અંતર્ગત છેવાડાની માળીયા કેનાલમાં પાણી ન પહોંચતું હોવાથી ખેડૂતોના પ્રશ્ને રાજકારણ ગરમાયુ છે ત્યારે હળવદ પંથકના બારેક ગામોના ખેતીવાડી ફીડર બંધ કરી નર્મદાના પાણી માળીયા સુધી પહોંચતા કરવા કાર્યવાહી કરાતા હળવદ પંથકના ખેડૂતોમાં દેકારો બોલી ગયો હતો. જો કે પીજીવીસીએલ દ્વારા ફીડર બંધ નથી કરાયા પરંતુ રીશેડ્યુલ કરાયાનું જણાવાયું છે.માળીયા બ્રાન્ચ કેનાલનો લાભ મેળવતા ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યા બાદ કેનાલમાં પાણી ન પહોંચતું હોવાથી ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો અને આ મામલે રાજકીય આગેવાનો અને હોદેદારો પણ મેદાને આવતા પોલીસ અને નર્મદા વિભાગ એકશન મોડમાં આવી પરમદિવસે નર્મદા કેનાલ ના હળવદ વિસ્તારમાં પાણી ચોરી અટકાવવા ૧૪ સબમર્સીબલ પમ્પ ધરાવતા ખેડૂતો સામે ફરિયાદ પણ નોંધી ગઈકાલે પણ ચેકીંગ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.બીજી તરફ નર્મદા કેનાલમાંથી ઝડપભેર માળીયા સુધી પાણી પહોંચે તે માટે હળવદ તાલુકાના એજાર, ઈશનપુર, નવા અમરાપર, જુના અમરાપર, અજીતગઢ, ઈંગોરાળા, માનગઢ, ખોડ, જોગડ, ટીકર, નવા ઘાટીલા, રણમલપુર સહિત બાર ગામમાં ખેતીવાડી વીજ ફીડર બંધ કરી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી અને ખાસ કરીને નર્મદા કેનાલનો લાભ ન લેતા ખેડૂતો પણ વીજળી વગર મૂંઝવણમાં મુકાયા હતા.દરમિયાન આ મામલે મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર વી. એલ. ડોબરિયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે હળવદ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ફીડર બંધ નથી કરાયા પરંતુ માત્ર રીશેડ્યુલ કરાયા છે. નોંધનીય છે કે પરમદિવસે એક આગેવાને સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો કરી માળીયાને પાણી મળે તે માટે વીજતંત્ર દ્વારા કેનાલકાંઠા વિસ્તારમાં પાવર કટ કર્યો હોવાના મેસેજ કર્યા બાદ આજે જોગાનુજોગ વીજતંત્રએ કામગીરી કરતા હળવદ પંથકમાં નર્મદાનો લાભ લેતા ખેડૂતોને પણ વીજ પુરવઠાથી વંચિત રહેવું પડ્યું હતું. અને દિવસ ભર ભારે ચર્ચા નો દોર ચાલ્યો હતો અને રાજકારણ ગરમાયુ હતુ.

(11:27 am IST)