Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ધોધમાર વરસાદના બદલે સૌરાષ્ટ્ર - કચ્છમાં વરસતા ઝાપટા

રાજકોટ, વિંછીયા, કોટડાપીઠા, જૂનાગઢમાં હળવો વરસાદ : અસહ્ય ઉકળાટ વચ્ચે ધુપ-છાંવ

પ્રથમ તસ્વીરમાં કોટડાપીઠામાં વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. બીજી તસ્વીરમાં ગોંડલમાં બીજા દિવસે વાદળા છવાયા હતા તે નજરે પડે છે. (તસ્વીર : ભરત મહેતા - કોટડાપીઠા, ભાવેશ ભોજાણી - ગોંડલ)

રાજકોટ તા. ૧૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ધીમેધીમે ચોમાસા જેવું વાતાવરણ છવાઇ જાય છે પરંતુ ધોધમાર વરસાદના બદલે માત્ર ઝાપટા વરસી જાય છે. આજે સવારે પણ ઘટાટોપ વાદળા છવાયા હતા અને મેઘરાજા તૂટી પડે તેવો માહોલ હતો પરંતુ ઝાપટા જ વરસ્યા હતા.

આજે સવારે રાજકોટ, વિંછીયા, કોટડાપીઠા, જુનાગઢમાં હળવો વરસાદ પડયો હતો. જો કે અસહ્ય ઉકળાટ યથાવત છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૫ દિવસ સૌરાષ્ટ્રમાં છૂટા-છવાયા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બુધવારના રોજ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારામાંથી થોડીક રાહત પણ મળી હતી. પવનની ગતિ તીવ્ર હોવાથી વાદળ બંધાતા નથી, જેના પગલે વરસાદ મોડો આવે તેવી આગાહી પણ કરાઇ છે. બીજી તરફ હવાની ગતિમાં પણ સતત બદલાવ જોવા મળી રહ્યો છે. પરિણામે કોઇક દિવસ દક્ષિણ - પશ્ચિમ પવન તો કોઇ દિવસ માત્ર પશ્ચિમ દિશાથી પવન વહેતા સિસ્ટમ જે બનવી જોઇએ તે બની શકતી નથી.

સામાન્ય રીતે ગુજરાતમાં વર્ષાઋતુ ૧૫ થી ૨૦ જૂન વચ્ચે પ્રવેશે છે, પરંતુ સિસ્ટમ સક્રિય ન થતાં વરસાદ મોડો આવે તેવી આગાહી કરવામાં આવી છે. બુધવારે રાજકોટનું મહત્તમ તાપમાન ૩૭.૭ ડિગ્રી નોંધાયું હતું.

કોટડાપીઠા

(ભરત મહેતા દ્વારા) કોટડાપીઠા : બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે આજે સવારના નવ વાગ્યાની આસપાસ અસહ્ય ગરમી, બફારા બાદ વરસાદનું જોરદાર ઝાપટુ પડેલ છે. રસ્તા પર પાણી વહી ગયા હતા તેમજ આજે સવારથી જ આકાશ વાદળાથી ગોરંભાયેલ છે હજુ વાદળા ઘેરાયેલ હોવાથી વરસાદની શકયતા છે.

વિંછીયા

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : સખત ગરમી બાદ આજ સવારમાં વાદળ-છાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ વરસી ગયો છે.

જૂનાગઢ

(વિનુ જોષી) જૂનાગઢ : જૂનાગઢમાં સવારે વરસાદનું ઝાપટુ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી બાદમાં ઉકળાટ અને બફારાનું જોર વધતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાય ગયા હતા.

૧૫ જૂનથી ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થઇ ચૂકયો છે હજુ મેઘરાજાએ જમાવટ કરી હતી. ગઇકાલે જૂનાગઢમાં છાંટા વરસતા માર્ગો ભીના થયા હતા પરંતુ રાત્રીના વરસાદનું એક પણ ટીપુ વરસ્યુ ન હતું.

દરમિયાન આજે સવારે જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું ઝાપટુ વરસતા રસ્તા પરથી પાણી દડવા લાગ્યા હતા.

સવારના વરસાદથી જૂનાગઢ ખાતે બે મીમી પાણી પડયું હોવાનું ડીઝાસ્ટર મેનેજમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતું.

જૂનાગઢ સિવાય અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદના વાવડ નથી. આકાશ ગોરંભાયેલુ હોવાથી ગમે ત્યારે મેઘરાજાનું આગમન થવાની શકયતા નકારી શકાતી નથી.

આજે સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૨૭.૪ ડિગ્રી, વાતાવરણમાં ભેજ ૮૭ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૨.૪ કિમીની રહી હતી.

ઉનામાં રાત્રીના અડધો ઈંચઃ સવારે બફારો

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૧૭ :. ગઈકાલે રાત્રીના ૧૧.૩૦ બાદ જોરદાર ઝાપટા સાથે અડધો ઈંચ વરસાદ શહેરી વિસ્તારમાં વરસી ગયો હતો.  રાત્રીના અડધો ઈંચ વરસાદ બાદ આજે સવારે સૂર્યપ્રકાશીત વાતાવરણ છે અને અસહ્ય બફારો શરૂ થઈ ગયેલ છે.

(11:02 am IST)