Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

જામનગર જી જી હોસ્પિટલમાં જાતીય સતામણી મામલે તપાસ કમિટી 2 દિવસમાં કલેક્ટરને સોંપશે રિપોર્ટ

નિયુક્ત કરાયેલી તપાસ કમિટી દ્વારા મહિલા એટેન્ડન્ટના નિવેદનો લીધા: પોલીસની ટીમ દ્વારા પણ તપાસ શરૂ: જરૂર પડયે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવશે

જામનગરની જીજી હોસ્પિટલમાં સુપરવાઈઝર અને કોન્ટ્રાટકર પર શારીરિક શોષણ કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલાનો પડઘો ગાંધીનગરમાં પડયો હતો. સમગ્ર કેસની તપાસ માટે એક સમિતી રચવામાં આવી છે.

 ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, આ પ્રકારની ઘટના સરકાર ચલાવી નહીં લે. આ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. પ્રાંત અધિકારી, ASP અને મેડિકલ કોલેજના ડીન સમગ્ર કેસમાં તપાસ કરશે અને તપાસના આધારે કાર્યવાહી કરાશે. તો બીજી તરફ તપાસ સમિતીની કામગીરી પર આક્ષેપો અને સવાલો ઉઠયા છે. હોસ્પીટલમાં જાતીય સતામણી માટે અનેક કર્મચારીઓ સમર્થન આપ્યું છે. તો તપાસ કમિટી પોતાનો રીપોર્ટ બે દિવસમાં કલેકટરને સોપશે.

નિયુક્ત કરાયેલી તપાસ કમિટી દ્વારા મહિલા એટેન્ડન્ટના નિવેદનો લીધા છે તો બીજી તરફ પોલીસની ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ તપાસ કમિટીએ જણાવ્યું છે કે જરૂર પડયે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવશે. ટૂંક સમયમાં રીપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જામનગરની ઘટના મુદ્દે મહિલા આયોગના અધ્યક્ષે જણાવ્યું હતું કે ભોગ બનનારે રજૂઆત પહેલાં કરી હોત તો સારું હોત. આ હકીકત સાચી હશે તો દોષિત સામે પગલાં ભરશે. જાતીય સતામણીનો બનાવ છે, તેથી આવા કિસ્સા માટે આંતરિક કમિટી રાજ્ય માટે બનાવાઈ છે.

ઓળખ છુપાવવાની શરતે એક તબીબે મીડિયા સમક્ષ ગંભીર ખુલાસા કર્યા હતા. મહિલા એટેન્ડન્ટને નોકરીના નેજા હેઠળ શારીરિક શોષણ કરવા માટે HR વિભાગના કેટલાક લોકો દબાણ કરતા હતા. જેના નામ સહિત એક તબીબે ખુલાસો કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની કામગીરી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલા પીડિતો હોવાનો ખુલાસો મીડિયા સમક્ષ કર્યો હતો.

જામનગર શહેરના મહિલા સંગઠનો પણ આ મામલે મેદાનમાં આવ્યા છે. મહિલા સંગઠનોએ વહીવટી તંત્રને બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ચિમકી આપી છે કે, 48 કલાકમાં કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો અન્ય કાર્યવાહી આગળ કરવામાં આવશે.

(10:26 am IST)