Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ચોમાસા પૂર્વે કચ્છમાં લોક ભાગીદારી સાથે જળ સંગ્રહ અભિયાન જોરશોરમાં : ૮૪૨ કામો પૂર્ણ

મનરેગા દ્વારા રોજગારી અને સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા સરકાર સાથે કદમ મેળવતા કચ્છી માડુઓ : હજી ૫૨૨ તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલુ : સુકા પ્રદેશમાં જળ સંગ્રહનું મૂલ્ય અધિક

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : ચોમાસા પહેલાં રાજયમાં જળસંગ્રહનો વ્યાપ વધે તે માટે તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ તથા રીપેરીંગ, હયાત જળાશયોનું ડીસીલ્ટીંગ, તળાવોના પાળા, વેસ્ટવિયરનું મજબૂતીકરણ, હયાત નહેરોની સાફસફાઇ મરામત જાળવણી, નદી, વોકળા, કાંસ, ગટરની સાફસફાઇ અને નદી પુનઃજીવીત કરવી વગેરે કામો લોકભાગીદારીથી કરવા રાજય સરકારે એપ્રિલ અને મે માસથી દસ જુન ૨૦૨૧ દરમ્યાન સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરેલુ જેમાં કચ્છમાં સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૧ હેઠળ ૧૩૬૪ પૈકી ૮૪૨ કામો થકી ૬૨ ટકા કામગીરી થઇ છે.

કચ્છના અંજાર તાલુકાના ખેડોઇ ગામે ખારું તળાવ ઊંડું ઉતારવાનાં કામ સાથે જિલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાનનાં ચોથા તબક્કાનો રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર દ્વારા ખાતમૂહૂર્ત કરી શુભારંભ કરાવાયો હતો. આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં વધુમાં વધુ પાણીના સંગ્રહ થાય અને સંગ્રહ શકિત વધે તે માટે જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧ અંતર્ગત વિવિધ કામો મંજુર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં કુલ ૧૬૨૪ કરોડ લીટર જેટલો પાણીની સંગ્રહ શકિતમાં વધારો થશે. જેનો લાભ પાણી પીવા માટે પશુ-પક્ષીઓ તેમજ જમીનમાં પાણીના તળ ઉંચા લાવવા માટે અને સિંચાઇ માટે પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે થશે.

જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. એ સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧ અંગે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લા માટે પાણીનું મૂલ્ય ખુબજ વધુ છે અને આ જળ અભિયાન-૨૦૨૧ દ્વારા વધુમાં વધુ પાણી સંગ્રહ થાય તે માટે લોકોના સહકારની જે અપેક્ષા રાખી હતી તે આ કામોમાં જોવા મળી છે.

કચ્છમાં ૧૩૬૪ કામો પૈકી ૮૪૨ કામો દ્વારા મનરેગા હેઠળ રૂ.૪૦૬.૫૯ લાખની ૧૬૨૧૮૬ માનવદિન રોજગારી અપાઇ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ૧૬૫ કામો પૂર્ણ કરેલ છે વન વિભાગે ૧૯ કામોનો લક્ષ્યાંક પૂર્ણ કરેલ છે. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ભુજ દ્વારા ૬ કામ પૂર્ણ થયેલાં છે. જળસંપતિ વિભાગ દ્વારા ૫૮૩ કામો થયેલ છે .જળ સ્ત્રાવ નિગમ દ્વારા લક્ષ્યાંકના ૩૯ કામો પરિપૂર્ણ કરેલ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સુજલામ સુફલામ અભિયાન-૨૦૨૦ હેઠળ ૫૩ ટકા કામગીરી થઇ હતી.

ભુજ તાલુકાની જો વાત કરીએ તો જળસંપિત વિભાગ દ્વારા ૧૦મી જૂન ૨૦૨૧સુધી સુજલામ સુફલામ કામગીરી પૈકી ૧૯૮ માંથી ૧૧૧ કામો પૂર્ણ થયા છે .જેમાં જે તે સંસ્થા કે વ્યકિત ના ૧૦૦્રુ સ્વખર્ચે ૩૫ જેટલા અને સરકાર અને જનભાગીદારીથી ૬૦ : ૪૦ ના રેશિયામાં થયેલા ૭૬ કામ પૂર્ણ થયેલ છે . ખારા ડેમ ખાતે પાવર પટ્ટી વિકાસ સંસ્થા નિરોણાએ સુખપર ગામે સ્વખર્ચે માટી ઉપાડી આજુબાજુના ખેડૂતોને માટી આપી હતી તેમ જ ખેત પુરાણમાં આ માટીનો ઉપયોગ થયો હતો.

ભુજ તાલુકા માં સુખપર ગામે ખારા ડેમ ખાતે માટી ખોદકામ પ્રારંભ કરાવતા ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય જણાવે છે કે, 'દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ભુજના રકાબી જેવા ભૌગોલિક આકાર માં જળ સંચય થાય તે માટે હયાત તળાવોને ઊંડા કરીએ છીએ અને બીજા અનેક તળાવો પણ ઊંડા કરાવીએ છીએ .આ વર્ષે ૬૦ જેટલા તળાવો મંજૂર કર્યા છે ગયા વર્ષે ૧૦૦ તળાવ કર્યા હતા .કોરોના ના લીધે આ વર્ષે મર્યાદામાં કામગીરી કરવામાં આવી છે .આ તળાવ કામગીરીથી પશુઓને પીવાના પાણીની તકલીફ ન પડે અને ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહે તે માટે રાજય સરકારનો આભાર માનું છું કે કોરોના કાળમાં પણ આ અભિયાનથી જનહિત નું કાર્ય કર્યું છે.'

તો સુખપર ગામના ખેડૂત ધનજીભાઈ હરજીભાઈ ભુવા જણાવે છે કે 'આ વિસ્તારમાં ત્રણેક વર્ષમાં ૧૦ તળાવ ઊંડા કર્યા છે આથી ખેડૂતોને માટી મળે છે જયારે તળાવ ઊંડા થાય ત્યારે નવા પાણી ભરાવાથી કુવાના તળ ઊંચા થાય છે. આ વિસ્તારના ખેડૂતો સરકાર નો ખુબ ખુબ આભાર માને છે.'

ઉલ્લેખનીય છે કે આજ તાલુકાના સામત્રા ગામે ૧૭ થી ૧૮ તળાવ લિંકથી એક બનતા તળાવનું કામ કાજ ગામ લોકોએ પોતે ઉપાડયું છે . સામત્રા ગામમાં આ કામગીરી દરમિયાન ભીમજીભાઇ જોગાણી જણાવે છે કે ,સામત્રા રખાલ તરીકે ઓળખાતા ૫૪ હજાર હેકટર વિસ્તારમાં ૧૭ થી ૧૮ તળાવનું લિન્કિંગ થાય એવો ડુંગરાળ વિસ્તાર છે. સામત્રાના વતની અને હાલ નેરોબીના ઉદ્યોગપતિ કે કે પટેલ ગામમાં જ ગામનું પાણી રહે અને બારેમાસ પાણી ભરેલા રહે એ માટે ૧૭ થી ૧૮ તળાવોના લિન્કિંગની કામગીરી માટે રૂપિયા એક કરોડ જેટલું માતબર યોગદાન આપી સરકારના સુજલામ સુફલામ અભિયાનને સાર્થક કરવામાં મજબૂત ટેકો આપ્યો છે. જન જનભાગીદારીથી લોક કલ્યાણ કરવાના સરકારના પ્રયત્નમાં સામત્રા ગામનું આ પ્રશંસનીય કામ સુજલામ સુફલામ જળ અભિયાન ને નિખારે છે.

(11:33 am IST)