Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

લાકડાની આડમાં ડ્રગ્સ? કચ્છના મુન્દ્રા પોર્ટમાં ૬૫ કન્ટેનરની તપાસ : અન્ય કિસ્સામાં મોબાઈલ અને સ્માર્ટ વોચ મંગાવી ૮ કરોડની ચોરીને પગલે ૮ કન્ટેનરોની તપાસ

વ્હાઈટ કોલર દાણચોરો દેશની આંખમાં ધૂળ નાખી કરી રહ્યા છે ગદ્દારી, પોર્ટ ઉપર હાઈ સ્કેનરોની જરૂરત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૭:  આયાત નિકાસનો વ્યાપાર વધારવા સરકારી છૂટછાટો વચ્ચે બંદરો ઉપર વ્હાઈટ કોલર દાણચોરી વધતી અટકાવવા કડકાઈભરી કામગીરી અને સખ્ત કાયદાઓની જરૂરત છે.

કચ્છના સરકારી બંદર કંડલા અને ખાનગી બંદર અદાણી મુન્દ્રા પોર્ટ ઉપર મિસ ડેકલેરેશન દ્વારા દાણચોરી કરવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. દેશના દુશ્મન એક વસ્તુની આડમાં બીજી વસ્તુની આયાત નિકાસ કરી કરોડો રૂપિયાની કસ્ટમ ડ્યૂટીની ચોરી કરી દાણચોરી દ્વારા દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે.

તાજેતરમાં જ મુન્દ્રા પોર્ટ ઉપર આયાતી લાકડાના કન્ટેનરમાં ડ્રગ્સ ઘુસાડવાની શંકાના આધારે ડીઆરઆઈ ગાંધીધામ અને મુન્દ્રા કસ્ટમની એસઆઈઆઇબી શાખા દ્વારા આફ્રિકન દેશોમાંથી આવેલ ૬૫ લાકડાના કન્ટેનર અટકાવી તપાસ કરાઈ રહી છે.. જે પૈકી ૩૦ કન્ટેનર માં કંઈ નીકળ્યું નથી. પણ, બીજા કન્ટેનરની તપાસ ચાલી રહી છે. આ કન્ટેનરો ઘાના, પનામા અને અન્ય આફ્રિકન કન્ટ્રીઝ માંથી ૧૪ જેટલા અલગ અલગ આયાતકારો એ મંગાવ્યા છે.

દરમ્યાન મુન્દ્રા કસ્ટમની એસઆઇઆઇબી શાખા દ્વારા મિસ ડેકલેરેશન ના કિસ્સામાં ૮ કરોડની ડ્યુટી ચોરી ઝડપાઈ છે. આયાતમાં એક ચીજ વસ્તુ બતાવ્યા બાદ બંધ કન્ટેનરમાં તેને બદલે પ્રતિબંધિત ચીજ વસ્તુ મંગાવી કસ્ટમ ડ્યુટી ચોરી કરવાના કિસ્સામાં મોંદ્યા મોબાઈલ અને સ્માર્ટ વોચનો મોટો જથ્થો ઝડપાયો છે. આ બનાવને પગલે અન્ય ૮ કન્ટેનરોની સદ્યન તપાસ શરૂ કરાઈ છે. બજારમાં બ્રાન્ડેડ મોબાઈલ અને સ્માર્ટ વોચ ની ભારે ડિમાન્ડ હોઈ આવી ચીજ વસ્તુઓ કસ્ટમ ડ્યુટી ચોરીની ચોરી કરી મોટા શહેરોમાં ગ્રે માર્કેટમાં વેંચાય જાય છે.

(11:04 am IST)