Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને કોર્ટમાં રજુ કરીને જામીનમુકત કરાય તેવી શકયતા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૭: ચાર માસ પહેલા ચોટીલાના સુરજદેવળ ખાતે કાંઠી સમાજનું સંમેલન યોજવામાં આવ્યુ હતુ જેમા મોટી સંખ્યામાં કાઠી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તે સમયે પ્રવચન દરમિયાન કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે અમરેલી પોલીસ અધ્યક્ષ નિર્લીત રોય વિરૂધ્ધમાં કરેલા વિવાદીત નિવેદનના કારણે સરકાર દ્રારા ખુદ સરકાર ફરીયાદી બની ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

જેના મામલે કાલે બપોરે અમદાવાદ ખાતેથી કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ની અટકાયત કરવામાં આવી છે સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી તથા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તથા અલગ અલગ પોલીસ ટુકડી બનાવી અને અમદાવાદ ખાતે જયાં રાજ શેખાવત હતા તે સ્થળેથી તેમની અટકાયત કરી અને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યા છે.

જયારે હાલમાં સુરેન્દ્રનગરની બી ડિવિઝન પોલીસ મથક ખાતે તેમણે રાખવામાં આવ્યા છે રાત્રી દરમ્યાન કાઠી સમાજના આગેવાનો તથા કરણી સેના ના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આ મામલે પોલીસ સાથે પણ ચર્ચા કરી હતી ત્યારે એક સાથે કાઠી સમાજના આગેવાનો તથા કરણી સેના ના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશને આવી પહોંચતા તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈસુરેન્દ્રનગર બી ડિવિઝન પહોંચ્યા હતા અને ત્યાં આ લોકોને સમજાવી અને મામલો શાંત પાડવામાં આવ્યો હતો.

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત એ આખી રાત સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુજારી હતી.

આ સંમેલન યોજાઈ ગયા બાદ આ મામલે સમાધાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ગુજરાત રાજયના ગૃહ મંત્રી તથા મુખ્યમંત્રી સાથે રાજ શેખાવત તથા કરણી સેના દ્વારા ના કાર્યકર્તાઓ દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને સમાધાન પણ કરી નાખવામાં આવ્યું હતું તે છતાં પણ પોલીસ દ્વારા ચાર માસ બાદ ગુનો દાખલ કરી અને અમદાવાદ ખાતેથી કરણીના ના અધ્યક્ષ ની અટકાયત કરવામાં આવતા રોષની લાગણી કાઠી સમાજ તથા કરણી સેનામાં વ્યાપી જવા પામી છે.

રાજ શેખાવત ની અટકાયત બાદ છેલ્લી ૨૪ કલાકથી તેમના સુરેન્દ્રનગરની બી ડિવિઝન પોલીસ ખાતે રાખવામાં આવ્યા છે પૂરતા બંદોબસ્ત સાથે તેમણે રાખવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આજે તેમને કોર્ટમાં હાજર કરાય તેવી શકયતાઓ દર્શાવવામાં આવી રહી છે વકીલ મારફતે જામીન સુરેન્દ્રનગરની ડિસ્ટ્રિકટ કોર્ટમાં રાજ શેખાવત ના જામીન આપવામાં આવશે તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

(11:28 am IST)