Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

કેશોદ વિસ્તારમાં બે દિ'થી મેઘ વિરામ બાદ ભારે ઉકળાટઃ વધુ વરસાદ પડે તેવી શકયતા

 કેશોદ તા. ૧૭ :.. કેશોદ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી મેઘ વિરામ બાદ બફારા સાથે વરસાદી ઉકળાટ શરૂ થતાં વધુ વરસાદ તુટી પડે તેવી શકયતા નકારી શકાય નહીં.

ગત બુધવારથી શનીવાર દરમિયાન ચાર દિવસ સુધી સમુદ્રમાં પ્રવર્તેલ 'વાયુ' વાવાઝોડાના અસરના ભાગરૂપે વરસાદી માહોલ વચ્ચે સાડા ત્રણ થી પોણા ચાર ઇંચ જેવો વાવણી લાયક વરસાદ પડેલ હતો.

શનિવાર સાંજ સુધી વરસાદી માહોલ બાદ એકાએક વાતાવરણ વિખેરાઇ જતાં અને વરાપ નિકળતાં વરસાદના કારણે જાહેર માર્ગો પર ઉદભાવેલ ગાળો-કિચડ પાણીના ખાબોચીયા સુકાઇ જવા પામેલ છે.

વરાપ નિકળતાની સાથે જ ગઇકલ સવારથી જ ખેતરો ખેત મજુરોથી ઉભરાઇ ગયા છે. અને હોંસે હોંસે ખેડૂતોએ વાવણી  શરૂ કરેલ છે.

ગત બુધવારથી શનીવાર દરમ્યાન ચાર દિવસ ઉદભવેલ વરસાદી માહોલથી કેશોદ વિસ્તારમાં પડેલ સાડા ત્રણથી પોણા ચાર ઇંચ જેવા વરસાદથી શિતલહેર  ઠંડક વ્યાપી જવા પામેલ હતી.

જેનું સ્થાન (મેઘ વિરામબાદ) ગરમી અને બફારાએ લઇ લેતા લોકો પરસેવાથી ન્હાઇ રહેલ છે.

આકાશી સ્થિતિ જોતા આજે પણ વાદળો યથાવત રીતે છવાયેલ છે. પ્રવર્તેલ ગરમી, ઉકળાટ અને બફારા જેવી સ્થિતી સારા વરસાદ હજુ વધુ સારા વરસાદના એંધાણ આપી રહેલ હોવાનું મનાઇ રહેલ છે. વાતાવરણ જોતા વરસાદ ગમે ત્યારે તુટી પડે તેવી શકયતા જણાઇ રહેલ છે.

(1:54 pm IST)