Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

મોરબીમાં ૮ લાખની લુંટમાં પકડાયેલ ૪ નેપાળી શખ્સોના આજે રીમાન્ડ મંગાશે

લુંટનો પ્લાન બનાવનાર ત્રણેય નેપાળી પોલીસને શંકા ન જાય તે માટે બીજા દિવસથી કામ પર ચડી ગયો'તોઃ અન્ય બે શખ્સોની શોધખોળ

તસ્વીરમાં પકડાયેલ ચારેય શખ્સો અને કબ્જે કરાયેલ રોકડ રકમ નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

 મોરબી, તા., ૧૭: મોરબીના ઉમા ટાઉનશીપમાં બિલ્ડરની ઓફીસમાં ઘુસી ૮ લાખની લુંટની ઘટનામાં પકડાયેલ ૪ નેપાળી શખ્સોને પોલીસે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઉમા ટાઉનશીપમાં થયેલી આઠ લાખની લુંટ મામલે શૈલેશભાઇ શાંતીલાલ મણીયારે પોલીસ ફરીયાદ નોંધાવી હતી જે બનાવ મામલે જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્ને જોશીના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પીઆઇ આઇ.એમ.કોઢીયાની ટીમ તપાસ ચલાવતી હોય જેમાં ઉમા ટાઉનશીપમાં જ રહીને કામ કરતા વિક્રમ પ્રકાશ કામી, ગણેશ જગત જોષી અને નમરાજ ધનરાજ મેરસીંગ રહે. ત્રણેય નેપાળ વાળાને શંકાના આધારે ઝડપી સઘન પુછપરછ કરતા આરોપીઓએ મૂળ નેપાળ અને હાલ બેંગ્લોર રહેતા રમેશ ઉર્ફે પપ્પુ મોતીબહાદુર સાહીની મદદથી અન્ય આરોપી બીરેન્દર માનબહાદુર માંઝી તથા રોશન પદમ સાહી (રહે. બંન્ને મુંબઇ) ની મદદથી લુંટને અંજામ આપ્યાની કબુલાત આપી હતી જે કબુલાતને પગલે બી ડીવીઝન ટીમના કિશોરદાન, દશરથસિંહ અને એલસીબી ટીમના અશોકસિંહ સહીતની ટીમને મોકલી આરોપી રમેશ ઉર્ફે પપ્પુ મોતી બહાદુર સાહીને મુંબઇ ખાતેથી ઝડપી લઇને લુંટમાં ગયેલ ૮ લાખ પૈકી ૩ લાખની રીકવર કરવામાં આવી છે અને આરોપી વિક્રમ પ્રકાશ કામી, ગણેશ જગત જોષી અને નમરાજ ધનરાજ મેરસીંગ તેમજ મુંબઇથી રમેશ ઉર્ફે પપ્પુ એમ ચાર નેપાળી ઇસમોને ઝડપી લીધા છે જયારે અન્ય બે આરોપી ફરાર હોય જેની શોધખોળ હાથ ધરાઇ છે.

મોરબીના ઉમા ટાઉનશીપમાં રહીને કામ કરતા વિક્રમ પ્રકાશ કામી, ગણેશ જગત જોષી અને નમરાજ ધનરાજ મેરસીંગ એ ત્રણ આરોપીઓએ મોટી રકમ હોવાની માહીતી હોય જેથી લુંટનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તેના અન્ય નેપાળી મિત્ર રમેશ ઉર્ફે પપ્પુની તેમજ મુંબઇથી બે માણસો બોલાવી એ ત્રણ શખ્સોએ લુંટને અંજામ આપ્યો હતો. લુંટનો પ્લાન બનાવનાર ત્રણેય નેપાળી ભેજાબાજોએ પોલીસને શંકા ના જાય તે માટે લુંટની ઘટનાના બીજા દિવસથી કામ પર હાજર રહયા હતા. જો કે પોલીસે સીસીટીવી ફુટેજ અને ટેકનીકલ મદદથી લુંટના ગુન્હાનો પર્દાફાશ કરીને આરોપીને ઝડપી લીધા છે તો મુંબઇના બે શખ્સો ફરાર છે જેને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. તેમજ ફરાર આરોપી રોશન પદમ સાહી ગુનાહીત ઇતિહાસ ધરાવે છે જે અગાઉ મુંબઇમાં ઘરફોડ ચોરી તેમજ લુંટ સહીતના છ ગુન્હાઓમાં ઝડપાઇ ચુકયો હોય અને સજા પણ ભોગવી ચુકયો હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલ ચારેયને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે.

(1:45 pm IST)