Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

કોલકત્તાના ડોકટરો ઉપર હુમલાના ઘેરા પ્રત્યાઘાત...

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તબીબોની હડતાલઃ દર્દીઓને હાલાકી

ટ્રસ્ટ, ખાનગી હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવા ચાલુ : રાજકોટમાં IMA ની બેઠક : ગુજરાતના ર૮ હજાર તબીબોની હડતાલથી આરોગ્ય સેવા કથળી.. રાજકોટના બે હજાર તબીબો હડતાલમાં જોડાયા

રાજકોટ, તા. ૧૭ પશ્ચિમ બંગાળમાં ડો. પી.મુખરજી ઉપર થયેલા ગંભીર હુમલાના પડઘા સમગ્ર દેશમાં પડયા છે. સરકારની અપીલને ફગાવીને તમામ તબીબોએ આજે રોષભેર હડતાળ પાડી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના તબીબોએ હડતાલ પાડતા દર્દીઓની હાલત દયનીય બની છે. હડતાલનો અંત તુરંત આવે તે માટે માંગણી કરી છે.

રાજકોટના IMA ના ૧૬૦૦ અને હોમીયોપેથીક અને આયુર્વેદના ૪૦૦ મળી કુલ ર હજારથી વધુ તબીબોએ હડતાલ પાડી ઓપીડી સેવા બંધ રાખી છે. સૌરાષ્ટ્રમાં તબીબોની હડતાળને વ્યાપક સમર્થન સાંપડયું છે.

ડોકટરોને હડતાળ નહિ પાડવાની ગુજરાત સરકારની વિનંતીને ઠુકરાવી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચ આજે ૧૭મીના સોમવારે હડતાળ પાડી છે. પશ્ચિમ બંગાળમાં ડોકટર ઉપર થયેલા હુમલાના વિરોધમાં એક દિવસની હડતાલનું એલાન અપાયું છે. એસોસિયેશન સાથે જોડાયેલા અમદાવાદના ૯ હજાર ડોકટરો સહિત રાજયના ર૮ હજારથી વધુ ડોકટરો આ હડતાલમા જોડાયા છે. જોકે ઇમરજન્સી તબીબી સેવાને અસર નહિ થાય તેવી ખાતરી ડોકટરોએ આપી છે.

આજે સોમવારે ગુજરાતના ડોકટરો સવારે ૬ વાગ્યાથી હડતાળ પાડશે જે ર૪ કલાક સુધી ચાલશે, એટલે કે મંગળવારે સવારે ૬ વાગ્યા સુધી હડતાળ ચાલશે.

તબીબોના એક પ્રતિનિધિ મંડળ દ્વારા શનિવારે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રાહુલ ગુપ્તાને આવેદનપત્ર આપી કલકત્તામાં તબીબ પર થયેલા હુમલાના બનાવમાં હુમલાખોરો સામે કડક પગલા લેવા માંગણી કરવામાં આવી છે. આ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો. ચેતન લાલસેતા, ગુજરાત આઇ.એમ.એ. ના પૂર્વ પ્રમુખ અને હાલ રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, આઇ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. અમીત હપાણી, આઇ.એમ.એ. રાજકોટના પૂર્વ પ્રમુખ ડો. હિરેન કોઠારી, ડો. ભાવેશ સચદે, ડો. મયંક ઠક્કર, ડો. યજ્ઞેશ પોપટ, ડો. પારસ ડી. શાહ, ડો. પિયુષ ઉનડકટ, ડો. ભાવિન કોઠારી, ડો. જય ધીરવાણી, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. વિમલ સરડવા, ડો. અતુલ રાયચુરા, વુમન્સ ડોકટર વિંગના પ્રમુખ ડો. સ્વાતિબેન પોપટ, સ્ટુડન્ટ વિંગના પાર્શ્વ શાહ, દિક્ષિત પટેલ, યાત્રીક વસાવડા, હેત્વી વાઘેલા, સપના શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આજે રાજકોટના રેડક્રોસ હોલ ખાતે આઈએમએ દ્વારા રાજકોટના તમામ તબીબોની બેઠક મળી છે. જેમાં બનાવને વખોડીને આગામી કાર્યક્રમોની ચર્ચા કરી હતી.

ભાવનગર

ભાવનગરઃ ભાવનગરમાં આજે ખાનગી દવાખાના, કિલનીક, નર્સિંગ હોમ, હોસ્પીટલો, લેબોરેટરી, રેડીયોલોજી, સર્વિસીસની સાથોસાથ રેસિડેન્ટ અને ઈન્ટર ડોકટરો એક દિવસની પ્રતિક હડતાલમાં જોડાયા હતા. જો કે ઈમરજન્સી સેવાઓ ચાલુ રહી હતી.

પશ્ચિમ બંગાળના કોલકતામાં ડો. પરભા મખરજી પર થયેલા હુમલાના પડઘા છેક ભાવનગર સુધી પડયા છે અને આજે શહેરમાં ડોકટરોએ હડતાલ પાડી હતી. ડો.શરદભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ ભાવનગરના તમામ ડોકટરોના સંગઠનોએ હડતાલને સમર્થન આપ્યુ છે અને તમામ ડોકટરો હડતાલમાં જોડાયા છે. લેબોરેટરી પણ બંધ રહી હતી. જો કે ઈમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી.

કાલાવડ

કાલાવડઃ કાલાવડ ડોકટર એસો.ના પ્રમુખ ડો. સજુભા ગોહિલની યાદીમાં જણાવેલ છે કે કાલાવડના તમામ ડોકટરો ઓપીડી કેસ સંભાળશે જ્યારે ઈમરજન્સી કેસ સંભાળશે. તેમજ ડોકટર એસોસીએશન દ્વારા ડોકટરની હડતાલને ટેકો જાહેર કરેલ છે.

કચ્છ

ભૂજઃ દેશ અને રાજ્યની સાથે કચ્છભરના તબીબો પણ હડતાલમાં જોડાયા છે. એકમાત્ર સરકારી હોસ્પીટલમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ છે. જ્યારે પ્રાઈવેટ ટ્રસ્ટની હોસ્પીટલો તેમજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પીટલો અને ખાનગી તબીબોએ સંપૂર્ણપણે બંધ પાળ્યો છે.

(12:03 pm IST)