Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ભાવનગર-તળાજામાં દોઢ ઇંચઃ સર્વત્ર ગોરંભાયેલુ હવામાન

ગઇકાલે ગીર સોમનાથ-જુનાગઢ જીલ્લામાં મેઘરાજા મહેરબાન થયા બાદ અનેક જગ્યાએ વાવણીના શ્રીગણેશ

રાજકોટ તા.૧૫: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ''વાયુ'' વાવાઝોડાની અસર રૂપે વાતાવરણ પલ્ટાયુ હતુ અને ગઇકાલે ગીર સોમનાથ જુનાગઢ જીલ્લામાં ધોધમાર એકથી ૧૦ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો.

આ ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઝાપટાથી માંડીને ૩ ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

ભારે વરસાદ થયેલા વિસ્તારોમા વાવણી કાર્યના શ્રીગણેશ થયા છે.

જયારે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગોરંભાયેલુ વાતાવરણ છે આવા વાતાવરણ વચ્ચે ભાવનગર જીલ્લામાં ઝાપટાથી માંડીને દોઢ ઇચ જેટલો વરસાદ પડયો હતો.

ભાવનગર

ભાવનગરઃ ભાવનગર શહેરમાં સવા ઇંચ, તળાજા એક ઇંચ, મહુવામાં અર્ધો ઇંચ વરસાદ પડયો છે જયારે વલભીપુર, સિહોર, ઘોઘા અને પાલીતાણામાં હળવા-ભારે ઝાપટા વરસી ગયા હતા.

ભાવનગર જીલ્લામાં આજે સવારે ૬ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમ્યાન નોંધાયેલ મુજબ તળાજામાં ૩૦ મીમી પાલીતાણામાં ૧ મીમી ભાવનગરમાં ૩૪ મીમી મહુવામાં ૧૨ મીમી વલભીપુરમાં ૬ મીમી અને સિહોરમાં ૫ મીમી વરસાદ નોંધાયો છે ભારે આજે સવારે મહુવામાં છુટો છવાયો વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં સવારે ધુપ-છાંવનો માહોલ હતો.

માણાવદર

માણાવદરઃ પંથકમાં ''વાયુ'' વાવાઝોડાના ફુંફાડા સાથે તાલુકામાં બેઇંચ થી વધુ વરસાદ પડી ચૂકયો છે ગ્રામ્ય પંથકમાં સારા વરસાદના પગલે વાવણી કાર્ય પ્રારંભ થઇ ગયો છે. વાવાઝોડામાં ખા કોઇ નૂકશાની થઇ હોવાના કોઇ અહેવાલ નથી. જાંબુડા ગામે બેઇચથી વધુ વરસાદના પગલે ખેડુત શ્રી નવનીતભાઇ હેરભાએ વાવણી કાર્યનો પ્રારંભ કરી શુકન સાચવવા હતા તેઓએ જણાવ્યું કે બે ઇચથી વધુ વરસાદ પડયો છે બે દિમાં જેથી વાવણી પ્રારંભ કર્યો છે ગ્રામ્ય પંથકમાં ઘણી જગ્યાએ વાવણી કરી દીધી છે. અન્ય શહેરની તુલનામાં અહિંયા ઓછો વરસાદ પડયો છે પાલિકાએ શહેરભરમાં દવાછંટકાવ કરી રોગ ચાળો અટકાવવાર માંગ ઉઠી છે પ્રથજનોએ વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણીની તંગીદુર કરવા પ્રયાસ કરવો પડ્યો કેમકે ૯ દિવસે પાણી આવે છે.

મીઠાપુર

મીઠાપુરઃ ઓખામંડળ તાલુકાના છેવાડાના ગામ મીઠાપુર અને સુરજકરાડીમાં અરબી સમુદ્રનો કાંઠો હોય હાલમાં જે વાયુ વાવાઝોડું ગુજરાતમાં સક્રિય હોય અને દરિયાકાંઠાના વિસ્તારોને અસર થનાર હોય ત્યારે હાલ પુરતું સંકટ તો ટળી ગયું હોય પરંતુ આ વિસ્તારમાં તેની અસર ના ભાગ રૂપે ગઇ કાલ મોડી સાંજ થી ભારે પવનના સુસવાટા ચાલુ થઇ ગયા છે. આ ઉપરાંત થોડા થોડા છાટા પણ પડ્યા છે. આ ભારે પવનથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સુરજકરાડી ઓખા હાઇવે રોડ પર આવેલા અમુક હોર્ડિગ પણ પડી ગયા છે. તેથી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઇ મીઠાપુર પોલીસ ઇન્ચાર્જ શ્રી ચન્દ્રકલાબા બી.જાડેજા સાહેબ તથા સ્ટાફ દ્વારા દરિયાઇ વિસ્તાર અને આખા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. અને પ્રજાને મોટા વૃક્ષો તથા વીજળીના થાંભલાઓ નજીકના જવા સુચન કર્યુ છે.ઙ્ગ

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૩૧ મહત્તમ, ૨૭.૫ લઘુતમ, ૭૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૨ પ્રતિ કલાક પવનની ગતિ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં જામજોધપુર-૧૧, ધ્રોલ-૦૭, જોડીયા-૦૨, લાલપુર-૦૩ મીમી વરસાદ પડ્યો હતો.

ધોરાજી

ધોરાજીઃ ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચૂરમાના લાડુ બનાવીને મગ ફળીની વાવણીનો પ્રારંભ થયો હતો.

પડધરી

પડધરીઃ શહેરમાં ધીમીધારે ૧૧ મીમી વરસાદ પડયો હતો.

(11:41 am IST)