Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

જામનગર પત્રકાર મંડળ દ્વારા સાંધાના દુઃખાવાનો કેમ્‍પ યોજાયો

શ્રી ૫ નવતનપુરીધામ-ખીજડા મંદિરે પરિવારજનો માટે ખાસ આયોજનઃ પૂ.કૃષ્‍ણમણિજી મહારાજની ઉપસ્‍થિતી : દર મહિનાના પ્રથમ શનિવારે લોકોને લાભ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા. ૧૭:  શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે રવિવારે જામનગર પત્રકાર મંડળના સભ્‍યો અને તેના પરિવારજનો ઉપરાંત સાંધાના દુખાવાથી જ પીડિત લોકો માટે હાડવૈદનો કેમ્‍પ રાખવામાં આવ્‍યો હતો. મહુવાના જાણીતા હાડવૈદ મહેન્‍દ્રભાઈ પટેલ દ્વારા ગણતરીની ક્ષણોમાં જ જૂની પરંપરાગત પદ્ધતિ દ્વારા જ મણકા ના દુખાવા અને સાંધા તેમજ વિવિધ હાડકા ને લગતા દુખાવા ના રોગો માં સારવાર કરી રાહત આપવામાં આવી હતી.

રવિવારે શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર ના દવાખાનામાં આયોજિત આ કેમ્‍પને શ્રી ૫ નવતનપુરીધામ, ખીજડા મંદિર ના આચાર્યશ્રી ૧૦૮ કૃષ્‍ણમણિજી મહારાજ, જામનગર પત્રકાર મંડળના પ્રમુખ હિરેન ભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ ધર્મેશભાઈ રાવલ, મંત્રી કિંજલભાઈ કારસરીયા, સહમંત્રી પરેશભાઈ ફલીયા, ખજાનચી સુચિતભાઇ બારડ સહિતના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્‍ય કરી ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.

જામનગરની આંગણે લોકોના દર્દને દૂર કરવા માટે ભગીરથ કાર્ય આરંભ કરવા બદલ આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્‍ણમણિજી મહારાજ અને મહુવાના ગૌભકત તેમજ હાડવૈદ મહેન્‍દ્રભાઇ પટેલને સન્‍માનિત પણ કરવામાં આવ્‍યા હતા.

હાડવૈદ્ય મહેન્‍દ્રભાઈ પટેલે અત્‍યાર સુધીમાં ૭૦૦ થી વધુ આ પ્રકારના કેમ્‍પ કર્યા છે. ખાસ કરીને ગૌશાળાના લાભાર્થે આ પ્રકારે કેમ્‍પ કરે છે. કોઈપણ દવા વિના આવા કેમ્‍પ થાય છે. અને અનેક લોકોને આ કેમ્‍પમાં લાભ લેવાથી સારું થયું છે. જામનગરમાં પણ મહિનામાં એક વખત તેઓ દ્વારા આ પ્રકારનો કેમ્‍પ કરવામાં આવનાર છે. કેટલીક તકલીફો તો એવી છે કે, તેમણે ઓપરેશન કરાવવાની પણ જરૂર રહેતી નથી. માત્ર સામાન્‍ય રીતે દુખાવો દૂર કરી શકાય છે. તેવું તેમણે વાતચીતમાં જણાવ્‍યું હતું.

આગામી દર મહિને પહેલા શનિવારે શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે સાંજે ૫ થી ૯ દરમિયાન સાંધા તેમજ હાડકા અને મણકાના દુખાવા માટે ખાસ હવેથી આયોજન થનાર છે તો આ કેમ્‍પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

(1:17 pm IST)