Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

પડધરીના રામપરમાં આશ્રમના સંચાલક ગોપાલગીરી ગોસ્‍વામી પર ૧પ શખ્‍સોનો ધોકા-પાઇપથી હુમલો

આશ્રમમાંથી કાઢી મુકવા બાબતે હુમલો કર્યાનો આક્ષેપઃ યુવાનને રાજકોટ ખસેડાયો

રાજકોટ, તા., ૧૭: પડધરીના રામપર   ગામે કાળભૈરવ ગીરનારી આશ્રમના સંચાલક પર ૧પ જેટલા શખ્‍સોએ ધોકા-પાઇપ વડે હુમલો કરતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પીટલમાં ખસેડાયો છે.
મળતી વિગત મુજબ પડધરીમાં હવેલી શેરીમાં રહેતા અને કાળ ભૈરવ ગીરનારી આશ્રમનું સંચાલન કરતા ગોપાલગીરી સુરેશગીરી ગોસ્‍વામી (ઉ.વ.૩૪) સવારે રામપર ગામની સીમમાં હતા ત્‍યારે ૧પ જેટલા અજાણ્‍યા શખ્‍સોએ ધોકા-પાઇપ સાથે ધસી આવ્‍યા હતા અને ગોપાલગીરી સાથે ઝઘડો કરી તેને ધોકા-પાઇપ વડે માર માર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ જતા તમામ શખ્‍સો ભાગી ગયા હતા. બાદમાં ગોપાલગીરીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પીટલમાં ખસેડાયા હતા. હોસ્‍પીટલના બીછાને સારવાર લઇ રહેલા ગોપાલગીરીએ જણાવ્‍યું હતું કે પોતાના પિતા છેલ્લા ૩૦ વર્ષથી આ આશ્રમનું સંચાલન કરતા હતા. ત્‍યાર બાદ પોતે છેલ્લા ૬ વર્ષથી આ આશ્રમનું સંચાલન કરે છે. પોતાને આશ્રમમાંથી હાંકી કાઢવા માટે આ શખ્‍સોએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે. આ અંગે પડધરી પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(11:58 am IST)