Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

મોરબી : નકલી રેમડેસીવીર ઇન્જેકશનકાંડમાં કોરોના પોઝિટિવ સહિત ૮ આરોપી રીમાન્ડ ઉપર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૭ : મોરબી પોલીસે ઝડપી લીધેલા રાજયવ્યાપી નકલી રેમડેસીવીર કૌભાંડમાં ચાર આરોપીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સ્વસ્થ થતા આજે પોલીસે અદાલત સમક્ષ ૧૪ દિવસના રીમાન્ડની માંગણી સાથે રજુ કરતા અદાલતે ૮ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

કોરોના મહામારી વચ્ચે લોકોને મીઠા અને ગ્લુકોઝવાળા નકલી રેમડેસીવીર ઇન્જેકશન ધાબડી દેવાના કૌભાંડમાં મોરબી પોલીસે મોરબીના બે શખ્સોને ઝડપી લેતા અમદાવાદ, સુરત, મુંબઈ સુધી નકલી ઇન્જેકશનના તાર લંબાયા હતા. જેમાં મોરબીનો રાહુલ કોટેચા અને અમદાવાદના આસિફ પટ્ટણી સહિતના ચાર આરોપીઓ કોરોના પોઝિટિવ આવતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

દરમિયાન આ ચારેય આરોપીઓ સ્વસ્થ થઈ જતા તપાસનીશ પોલીસે આરોપીઓના ૧૪ દિવસના રીમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરવામાં આવતા ચારેય આરોપીઓના ૮ દિવસના રીમાન્ડ અદાલતે મંજુર કર્યા હોવાની વિગતો સાંપડી છે.

મોરબી ડુપ્લીકેટ ઇન્જેકશન કાંડમાં મોરબી પોલીસે ઝડપી લીધેલા ૨૧ પૈકી ૧૮ આરોપીને રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા. જેમાં અગાઉ ૭ ઇસમોના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવ્યા હતા તો બાકીના ૧૧ આરોપીઓ જેમાં કૌશલ મહેન્દ્ર વોરા, પુનીત ગુણવંત શાહ, પ્રકાશ મધુકર વાકોડે, ધર્મેશ ઈશ્વર પટેલ,ધીરજ શિવપૂજન કુશવાહ, હસન અસ્લમ સુરતી, ફહીમ ઉર્ફે ફઈમ હારૂન મેમણ, નફીસ કાસમ મન્સૂરી તેમજ એમપીના ત્રણ ઈસમો સુનિલ રાઘવેન્દ્ર મિશ્રા, સપન સુરેન્દ્ર્કુમાર જૈન વાણિયા અને કુલદીપ ગોપાલ સાબલિયા જાતે કુમાવત એમ ૧૧ ઈસમોના તા. ૧૬ સુધીના રિમાન્ડ મંજુર થયા હોય જે આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

મોરબી પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે મુખ્ય સુત્રધારો એવા કૌશલ મહેન્દ્ર વોરા રહે સુરત અને પુનીત ગુણવંત શાહ રહે મુંબઈ મીરાં રોડ વાળાને ફર્ધર રિમાન્ડની પોલીસ દ્વારા માંગણી કરાઈ છે જયારે બાકીના ઇસમોને કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યા છે તો કોરોના પોઝીટીવ આવેલ ત્રણ ઈસમોને કોર્ટના રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને ૮ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

(1:17 pm IST)