Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

મારૂ ગામ, કોરોનામુકત ગામ અભિયાન અંતર્ગત કલ્યાણપુર તાલુકાના લાંબા, ભોગાત અને ભાટીયા ગામની મુલાકાત લેતા ધર્મેન્દ્રસિંહ

દેવભૂમી દ્વારકા તા.૧૭ : અન્ન નાગરીક અને પુરવઠા રાજયકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દેવભૂમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા, ભોગાત અને ભાટીયા ગામની મારૂ ગામ કોરોનામુકત ગામ અંતર્ગત મુલાકાત લીધી હતી અને લાંબા ગામે સ્વ.શ્રી અરશીભાઇ લગધીરભાઇ ચેતરીયા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત કોવીડ કેર સેન્ટરનો શુભારંભ પણ દિપપ્રાગટય કરી કર્યો હતો.

આ તકે મારૂ ગામ કોરોનામુકત ગામ અભિયાન અંતર્ગત તમામ ગામ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, ભાજપ આગેવાન વી.ડી.મોરી, નથુભાઇ ચાવડા જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા અને ભગત કરશનભાઇ ભાદરકાએ પ્રાસંગીક પ્રવચનો આપ્યા હતા.

આપણે સૌએ સહિયારા પ્રયાસોથી આપણા ગામને કોરોનામુકત કરવાનુ છે તેમ જણાવી રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યુ હતુ કે, કોરોનાના દર્દીઓની તમામ સારવાર માટે રાજય સરકાર પ્રયાસ કરી રહી છે અત્યારના સંજોગોમાં લોકોનુ જીવન બચાવવુ એ આપણા સૌની પ્રાથમિકતા છે. દેવભૂમી દ્વારકા જિલ્લાના ગામો કોરોનામુકત બને એ માટે વહીવટીતંત્ર, ચુંટાયેલ સ્થાનિક પ્રતિનિધિઓ, ગ્રામજનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિયારા પ્રયાસો કરી રહી છે. ગામમાં હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ હોમ આઇશોલેશનમાં રહે કે ઘરમાં અન્ય વ્યકિતને ચેપ ન લાગે એની તકેદારીરૂપે કોવીડ કેર સેન્ટરમાં સારવાર લે એ માટે ગ્રામજનોને સમજાવ્યા હતા. મંત્રીશ્રીએ આઇસોલેશન સેન્ટર પર દવાઓ, ઓકસીજન અને ઇન્જેકશનના ઉપલબ્ધ જથ્થાની માહિતી મેળવી હતી અને જરૂરિયાત અંગે જાણકારી મેળવી હતી. કોરોનાની સારવારની સાથે દેવભૂમી દ્વારકા જિલ્લામાં રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે અને આગામી દિવસોમાં એને વઘુ સઘન બનાવવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની જાગૃતિ માટે અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ સાથે મળીને કામ કરે તો ગ્રામ્ય ક્ષેત્રોમાં સંક્રમણને ઝડપથી અટકાવી શકાશે.અત્રે નોંધનીય છે કે, લાંબા ગામની ૮૬૦૦ વસ્તી છે જયા ૧૦ બેડની ઓકસીજન સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. ભોગાત ગામની વસ્તી ૯ થી ૧૦ હજાર જેટલી છે જયા પ બેડની અને ભાટીયા ગામની ૨૫૦૦૦ વસ્તી છે જયા ૨૦ બેડની સુવિધાઓ ધરાવતા કોવીડ કેર શરૂ કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે ભાજપ આગેવાન પી.એસ.જાડેજા, શૈલેષભાઇ કણઝારીયા, વિઠલભાઇ સોનગરા, મેરામણભાઇ ભાટુ, નગાભાઇ ધ્રેવાડ, આરોગ્ય અધિકારીશ્રી જેઠવા, કોંગ્રેસ આગેવાની મુળુભાઇ કંડોરીયા, કલ્યાણપુર મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચશ્રીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:35 am IST)