Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

સરધાર સ્વામિનારાયણ મંદિરે રર૦૦૦ બાળકો-યુવાનો ઉમટયા

પાંચ દિવસીય બાળ-યુવા મહોત્સવનો પ્રારંભઃ દેશ-વિદેશના હરીભકતો ઉમટયા : યુવાવર્ગ શકિતશાળી છે, પણ તેનો શ્રેષ્ઠ ઉપયોગ જરૂરીઃ પૂ. નિત્યસ્વરૂપદાસજીઃમહોત્સવમાં નાટક-નૃત્ય-કિર્તન સ્પર્ધાઃસંસ્કૃતિ -ધર્મના સંસ્કાર અપાશેઃ યુવાચાર્ય પૂ. નૃગેન્દ્રપ્રસાદજી પધારશે

સરધાર સ્વામીનારાયણ મંદિર સંકુલના દર્શન તસ્વીરમાં થાય છે. આ મંદિરે આજથી બાળ-યુવા મહોત્સવ પ્રારંભ થયો છે.જેમાં રર૦૦૦ બાળકો-યુવાનો ઉમટયા છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરીષદમાં પૂ. સ્વામી નિત્ય સ્વરૂપદાસજી, પૂ.બાલમુકુન્દ સ્વામીજી, પૂ. પતીતપાવન સ્વામીજી, સર્વમંગલ ભગતજી, સંદીપ ભગત તથા હરીભકત અગ્રણી નીતીનભાઇ ઢાકેચા નજરેપડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૭: સરધાર સ્વામિનારાયણ ધામ ખાતે આજથી બાળ યુવા મહોત્સવ પ્રારંભ થયો છે. જેમાં બાવીસ હજાર બાળકો-યુવાનો ઉમટયા છે.

આ અંગે યોજાયેલી પત્રકાર પરીષદમાં પૂ. સ્વામી નિત્ય સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે સારા કાર્યો કરવા એ દરેકની નૈતિક ફરજ છે. આ મહોત્સવ દ્વારા અમે ફરજ અદા કરીએ છીએ. બાળકો દેશનું ભવિષ્ય છે અને યુવાનો શકિતનું પ્રતીક છે. શકિત ખીલે, તેનો સદઉપયોગ થાય એ ઉદેશથી મહોત્સવ ઉજવાઇ રહયો છે. આવા મહોત્સવ એ રૂપીયાનો બગાડ નથી, વાવણી છે.

પૂ. સ્વામીજીએ કહયું હતુંકે મોબાઇલ ફોન કે અન્ય ટેકનોલોજી ખરાબ નથી, પરંતુ તેના ઉપયોગ અંગે સમજ જરૂરી છે. શિક્ષણ પશ્ચિમી બન્યું છે. પરીવાર ધન પાછળ દોટ મુકે છે. આ સ્થિતિમાં  બાળકો-યુવાનોને સંસ્કાર અને સંસ્કૃતિની સમજ કોણ આપશે? આવા મહોત્સવમાં એ કાર્ય થનાર છે.

સરધાર મંદિર દ્વારા શિક્ષણનું ખુબ મોટુ કામ થાય છે. શિક્ષણ ઉપરાંત રહેવાની અને ભોજનની સુવિધા નિઃશુલ્ક અપાય છે. આવી જ પ્રવૃતિ મહુવા અને ભાવનગરમાં ચાલે છે.

યુવાનો ધાર્મિક સંસ્કારો ભુલીને સંવેદનાહીન બની રહયાછે ત્યારે ભારતીય મુલ્યો,પરંપરા, સંસકૃતિ અને ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા સરધાર સ્વામીનારાયણ મંદિરના સંતોએ બાલ યુવા મહોત્સવનું આયોજન તા.૧૭ મે થી ર૧ મે દરમિયાન કર્યુ છે.

પ.પૂ. સ્વામી સદગુરૂ નિત્ય સ્વરૂપદાસજીની નિશ્રામાં યોજાઇરહેલી આ બાળયુવા શિબિરમાં ૨૨૦૦૦ થી વધુ બાળકો-યુવાઓભાગ લઇ રહયાછે. તેમને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવનાર છે. આ શિબિર અંગે વિગતો આપતા પત્રકારોનેસરધાર ખાતે પૂ. સ્વામી નિત્ય સ્વરૂપદાસજીએ જણાવ્યુંહતું કે, અમે સંસ્કાર શિબિરનું આયોજન દર વર્ષે કરીએછીએ. તેમાં દેશ દુનિયાભરમાંથી યુવાઓ ભાગ લેવા આવે છે. પાંચ દિવસ સુધી આ તમામને રહેવા જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક આપવામાં આવે છે.  બાળકોને તેમજ યુવાનોને તેમની પ્રતિભાને ખીલવવા મંચ પણ પુરો પાડવામાં આવે છે. ધાર્મિક સંસ્કાર પણ સાહજીકતાથી આપવામાં આવે છે. સ્વામીજીએ વધુમાં જણાવ્યું હતું કે આજનો માનવી યાંત્રીકતા તરફ ધકેલાઇ રહયો છે. મોબાઇલના કુસંગે ચડી ગયો છે.ધુન-ભજનની સંસ્કૃતિ વિસરી રહયો છે. ત્યારે આ શિબિરમાં આવતા બાળકોને અમે ધુન-ભજન અને કિર્તનની સંસ્કૃતિ સાથે સંસ્કાર સિંચન કરીએ છીએ. પ્રેરણાદાયક નાટકો, નૃત્ય, કિર્તન સ્પર્ધા દ્વારા ભવ્ય ભારતીય સંસ્કૃતિ અને ધર્મના સંસ્કાર આપાવામાં આવે છે.

બાળયુવા મહોત્સવની વ્યવસ્થા અંગે વિગતો આપવા કોઠારી સ્વામી પૂ.પતિત પાવનજી અને અન્ય સંતોએ જણાવ્યું હતુંકે શિબિર માટે ૧ર વિશાળ ડોમ અને બે વિશાળ મંચની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વામીનારાયણ સંપ્રદાયની આગવી શીફત અનેસંસ્કારના દર્શન શિબિર દરમિયાન થશે. બાળ યુવા મહોત્સવમાં અમેરીકા, યુ.કે.અને ઓસ્ટ્રેલીયાથી લોકો આવી રહયા છે. સભા મંડપ માટે૧૩ર બાય૪પ૦નો જર્મન ડોમ બનાવાયો છે. જયાં  મુખ્ય કાર્યક્રમો અનેગોષ્ઠી યોજાશે. કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મોહનભાઇ કુંડારીયા, મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા અને રાજકોટ લોધીકા સંઘના ચેરમેન સહકારી આગેવાન નીતીનભાઇ ઢાંકેચા, જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા (સુરત) વગેરે ઉપસ્થિત રહેશે.  સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની નિશ્રામાં સંસ્કાર ઘડતર થશે. બાળ-યુવાઓની સ્પર્ધાઓ ઉપરાંત જાણીતા લોક સાહિત્યકારોના કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે. સ્વામીજીના આશીર્વાદથી અત્યારે  સરધાર, મહુવા  અને ભાવનગરમાં ૧પ૦૦ બાળકોને શિક્ષણ માટે રહેવા-જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા આપવામાં આવે છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ.પૂ. સ્વામી સદગુરૂશ્રી નિત્ય સ્વરૂપદાસજીની નિશ્રામાં સંતગણ, હરીભકતો,  વિદ્યાર્થી સમુદાય વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.

(3:58 pm IST)