Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

દ્વારકાના પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવી પૈસા ખંખેરતા ત્રણ નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડયા

ખેલની મુખ્ય કલાકાર આશીયાના પોલીસના હાથવેંતમાં: અન્ય કેટલાકને હનીટ્રેપમાં ફસાવી નાણાં ખંખેર્યા તે દિશામાં પોલીસની તપાસ

ખંભાળિયા તા.૧૭: ઓખાના રૂપેણ બંદરે રહેતા ઇશાભાઇ અબ્દુલભાઇ ઇસબાણી ને ખંભાળિયાની આશીયાના/અફસાના નામ આપી અજાણ્યા ફોન નંબરમાંથી ફોન કરી સુંવાળી વાતો કરી સ્ત્રી આકર્ષણમાં મોહપાસ કરી અવાર-નવાર ખંભાળિયા ખાતે મળવા બોલાવતા ફરીયાદી પ્રૌઢ વિશ્વાસમાં આવી જતાં ત્રીજા વખત ખંભાળિયાના પોરબંદર રોડ પર આવેલ મોટાપીરની દરગાહ પાસે મળવા બોલાવી પુર્વ આયોજીત કાવત્રુ રચી યુવતી અને પ્રૌઢ ઉભા હોય તે સમયે બે શખ્સો બાઇકમાં આવી પોલીસ તરીકેની ઓળખ આપી ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધામધમકીઓ આપી બે લાખની માંગણી કરવામાં આવતા પતાવટ માટે રૂ.૧ લાખ નકકી કરવામાં આવ્યા હતા જે રકમ ફરીયાદીએ બે કટકે પહોંચાડેલ હોવા છતાં વધુ રકમની માંગણી કરતા અંતે કંટાળી જઇ ફરીયાદી પૌઢ હનીટ્રેપનો શિકાર બન્યા હોવાનું અને બન્ને શખ્સો યુવતી સાથે જ મળેલા હોવાનું જણાતા સમગ્ર હકિકત ખંભાળિયા પોલીસ મથકે જઇ જણાવી પોલીસ તરીકેની ઓળખ આપનાર બન્ને શખ્સો તેમજ આશીયાના નામની યુવતી વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

જેના પગલે ઇન્ચાર્જ પીઆઇ એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અમીત ચાવડા, પો.હેડકો રાજભા જાડેજા, પો.કો.જીતુ જામ, નવલદાન ગઢવી, પાઠકભાઇ,રાઇટર દિપક રાવલીયા સહિતના સ્ટાફ દ્વારા ફીરોજ ખમીરશા ભોકલ, બસીર ભોકલ તથા ડાવા ડાડા લુંણાની અટક કરવામાં આવી હતી. ઝડપાયેલા શખ્સોએ અન્ય કોઇને આવી રીતે પોલીસનું નામ આપી ખંખેર્યા છે કે કેમ તે દિશામાં આગળની  તપાસ હાથ ધરી છે જયારે સુંવાણી મિઠી વાતો કરવાની માહિર મુખ્ય કલાકાર આશીયાનાને હાલ ફરાર જાહેર કરવામાં આવી છે.

(3:37 pm IST)