Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ભાણવડઃ વ્યાજખોરોના વિષચક્રમાં ભીંસાતા રાણપરના પ્રૌઢનો આપઘાતઃ ત્રણ વ્યાજખોર વિરૂધ્ધ ફરીયાદ

રૂ.૧૭ લાખની રકમ સામે અવેજ પેટે જમીનના દસ્તાવેજ પર સહી કરાવી, ગીરવે મુકેલા ૧૬ તોલા દાગીના પડાવી લઇ ઉંચા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાકધમકીઓ આપતા ગળેટૂંપો ખાઇ આપઘાત કર્યો

ખંભાળિયા તા.૧૭: ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા અને વ્યવસાયે કપાસ-માંડવીની દલાલીનો ધંધો કરતા બાબુભાઇ ઇશાભાઇ મલેક (ઉ.વ.૫૩)એ ધંધામાં ઉપયોગ માટે પ્રથમ રૂ.બે લાખ અને તેમજ વધુ પૈસાની જરૂર પડતા તેમની માલિકીની ભવનેશ્વર ગામે આવેલી સર્વે નં.૧૧૧ વાળી જમીન ઉપર રૂ.૧૨ લાખ અને સોનાના દાગીના તોલા ૧૬ ઉપર રૂ.૩ લાખ એમ કુલ રૂ.૧૭ લાખ ભાણવડમાં રહેતા અને વ્યાજવટાવનો ધંધો કરતા હિતેશ જમનાદાસ રાજાણી, નિલેશ કુમારભાઇ પોપટ તથા ઇસુબ મકરાણી પાસેથી લીધા હોય જેના બદલામાં ત્રણેય શખ્સોએ ગીરવે મુકેલી જમીનના દસ્તાવેજમાં સહી કરાવી તેમજ સોનાના દાગીના પોતાની પાસે રાખી ઉંચા વ્યાજે  આપેલી રકમની પઠાણી ઉઘરાણી કરતા ગાળો કાઢી ધાક ધમકીઓ આપી માનસીક ત્રાસ આપતા મરવા મજબૂર કરી અંતે કંટાળી જઇ બાબુભાઇ  મલેકે ગત તા.૬ના રોજ પોતાના ઘરે ગળેટૂંપો ખાઇ લઇ આપઘાત કરી લેતા મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પત્નીએ મુમતાઝબેન બાબુભાઇ મલેકએ ઉપરોકત ત્રણેય શખ્સો વિરૂધ્ધ ભાણવડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઉપરોકત ત્રણેય શખ્સો વ્યાજવટાવનો ધંધો કરતા હોવાથી અન્ય કોઇ લોકોએ આ ત્રણેય શખ્સો પાસેથી  વ્યાજે પૈસા લીધા હોય અને ત્રાસ કે ધાકધમકીઓ આપવામાં આવતી હોય તો ફરીયાદ કરવા ઇચ્છતા ફરીયાદીઓ આગળ આવી ભાણવડ પોલીસ મથકે રૂબરૂ આવી નિવેદન લખાવવા ભાણવડ પોલીસ મથકના પીએસઆઇ વાય.જી.મકવાણાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

(1:15 pm IST)