Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ગોંડલના મોટા મહિકા ગામે મોબાઇલનું ટાવર નાખવા પ્રશ્ને બઘડાટીઃ સામસામી ફરિયાદ

સરપંચ રમેશ પટેલ સહિત ૬ સામે હુમલો કરી હડધૂત કર્યાની ફરીયાદઃ સામાપક્ષે ન શખ્સો સામે વળતી ફરીયાદ

રાજકોટ તા. ૧૭: ગોંડલના મોટા મહિકા ગામે મોબાઇલનું ટાવર નાખવા પ્રશ્ને બઘડાટી બોલી જતા પોલીસમાં સામસામી ફરીયાદ થઇ છે.

પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામે જયસુખભાઇ વાઘાભાઇ વાળા રે. મુળ નવી હડીયાદ તા. બગસરા હાલ મોટા મહિકા ગામે રીલાયન્સ ટાવરનું ફાઉન્ડેશન ભરતા હોય ગામના સરપંચ રમેશભાઇ પટેલ, પોલાભાઇ, વસંત પોલાભાઇ, નાનજીભાઇ પરમાર તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ એક સંપ કરી ગેરકાયદે મંડળી રચી પાવડાના ધોકાની ફરીયાદીને મારમારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત શબ્દો કહી હડધૂત કર્યો હતો તેમજ ફરીયાદી સાથેના હિંમતભાઇ, ભરતભાઇ તથા પ્રતિકભાઇ મારૂને ધોકા વતી મારમારી ઇજા કરી હતી. આ અંગે ઉકત ૬ શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

સામાપક્ષે સરપંચ રમેશભાઇ પટેલએ બીટુભાઇ જાડેજા તથા અજાણ્યા દલીત શખ્સો સામે પોલીસમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પૂર્વ મંજુરી વગર ખરાબાની જગ્યામાં મોબાઇલ ટાવરનું કામ કરતા હોય ફરીયાદીએ અટકાવતા ધમકી અપી હતી અને બીજા દિવસે પાવડાના હાથા વડે મારમારી ઇજા કરી હતી. ગોંડલ તાલુકા પોલીસે બન્ને ફરીયાદો તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)